પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારનાં દરભંગામાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રો જેવા આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. તો, ભારતનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. જેમાં વાપી રેલવે સ્ટેશને પણ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના DRM નીરજ વર્મા, સાંસદ ધવલ પટેલ સહિતના રાજકીય આગેવાનો, રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
બુધવારે પ્રધાનમંત્રીએ ભારતનાં વિવિધ રેલવે સ્ટેશનો પર 18 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનું લોકાર્પણ કર્યું હતું. આ મુસાફરો માટે રેલવે સ્ટેશનો પર સસ્તી દવાઓની ઉપલબ્ધતાની ખાતરી આપશે. તે જેનરિક દવાઓની સ્વીકૃતિ અને જાગૃતિને પ્રોત્સાહન પણ આપશે, જેથી આરોગ્ય સંભાળ પરના એકંદરે થતા ખર્ચમાં ઘટાડો થશે. તેવું પ્રધાનમંત્રી એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.
આ અંગે વાપી રેલવે સ્ટેશને આયોજિત કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવેના DRM નીરજ વર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે, વાપી અમૃત ભારત સ્ટેશનના રૂટમાં આવે છે. જેનો ટૂંક સમયમાં કાયાકલ્પ થવાનો છે. સ્ટેશન પર એસ્કેલેટર સહિતની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં 14 થી વધુ રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રની શરૂઆત કરી છે. જે અંતર્ગત વાપીમાં પણ આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. મુંબઈ ડિવિઝન હેઠળ વલસાડ બાદ વાપીમાં આ બીજા નંબરનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સારી ક્વોલિટીની અને સસ્તી દવાઓ મળી શકશે. આ જેનેરીક ચીજ વસ્તુઓ ક્વોલિટી ચેકડ છે. જેનાથી મુસાફરોને ફાયદો થશે.
તો આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાને સમગ્ર ભારતમાં 18 જેટલા રેલ્વે સ્ટેશન પર જન ઔષધી કેન્દ્ર શરૂ કર્યા છે. જેમાં વાપી રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે. મુસાફરોને સસ્તા દરે સારી ક્વોલિટી ની દવા આપવાનો નિર્ધાર છે. જે ખૂબ જ લાભદાયક રહેશે. એ ઉપરાંત સાંસદે આયુષ્માન યોજના જેવી યોજનાઓની પણ સરાહના કરી હતી.
તો વાપી રેલવે સ્ટેશન પર ટ્રાફિકને કારણે થઈ રહેલી સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા હલ કરાવવામાં પણ જરૂરી પ્રયાસ હાથ ધર્યા છે. તે અંગે રેલવે, પોલીસ વિભાગ સાથે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા પણ પ્રયાસ કરાઈ રહ્યા હોવાની ખાતરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ‘સ્વસ્થ ભારત વિકસિત ભારત’ના મિશન હેઠળ દેશના રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનો નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે દેશના 18 રેલવે સ્ટેશનનો સાથે વાપી રેલવે સ્ટેશન ખાતે પણ આ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે રેલવેના અધિકારીઓ ઉપરાંત ભાજપના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વાપી રેલવે સ્ટેશનને સાંસદ સહિત વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિત વાપી પાલિકાના સભ્યો, હોદ્દેદારો, કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.