Thursday, December 5News That Matters

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સેલવાસમાં શાળાનું ઉદ્ઘાટન કરવા સાથે નમો મેડિકલ કોલેજની મુલાકાત લઈ પ્રજાજોગ સંબોધન કર્યું

દેશના મહામુહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવની 2 દિવસીય મુલાકાતે પધાર્યા છે. જેની મુલાકાતના બીજા દિવસે તેઓએ દાદરા નગર હવેલીના સેલવાસની મુલાકાત લીધી અહીં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શાળા, ગેમ ઝોનનું ઉદ્ઘાટન કરવા સાથે નમો મેડિકલ કોલેજની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

દાદરા નગર હવેલીના સેલવાસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સેલવાસમાં પોતાનો સમય વિતાવ્યો હતો. જે દરમ્યાન શાળા કોલેજની મુલાકાત લેવા ઉપરાંત વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ એક સમારોહમાં હાજરી આપી પ્રદેશવાસીઓને સંબોધિત કર્યા હતા.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ આજે પૃથ્વીરાજ ચૌહાણ શાળા અને નરૌલી પંચાયત ઘરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે શાળાના શિક્ષકો સાથે સંવાદ કર્યો અને ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.

શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં શૂટિંગ, બાસ્કેટબોલ સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે જે આવનારા સમયમાં કેન્દ્રશાસિત પ્રદેશના બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવામાં મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત સેલવાસના ઝંડા ચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ કલાબેન ડેલકરની હાજર રહ્યા હતાં.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સેલવાસમાં સૌપ્રથમ નમો મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતાં. તેમણે દેવી સરસ્વતીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને મેડિસિનનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી વાતચીત કરી હતી.

તો, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાજભવન ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણનું મહત્વ અને માતૃભૂમિમાં ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ‘માતાના નામે એક વૃક્ષ’ અભિયાન માત્ર પ્રકૃતિની સેવા માટે જ સમર્પિત નથી, પરંતુ દરેક નાગરિકને પૃથ્વી માતા પ્રત્યેની તેમની ફરજોની યાદ અપાવે છે. તેવું જણાવ્યું હતું.

શાળાના ઉદ્ઘાટન બાદ આયોજિત સમારોહમાં પ્રદેશના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે વિસ્તરતા આ કેન્દ્રશાસિત પ્રદેશમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળે છે. નિકાસલક્ષી જિલ્લાઓમાં દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.

આદિવાસી ગૌરવ દિવસ અંગે જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે 15 નવેમ્બરે ‘આદિવાસી ગૌરવ દિવસ’ ઉજવવામાં આવે છે.  સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સમુદાયના લોકોના યોગદાનથી તમામ દેશવાસીઓને વાકેફ કરવા માટેનું આ એક પ્રશંસનીય પગલું છે.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જે ​ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું તે શાળાના બાળકોએ રાષ્ટ્રપતિને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ વિદ્યાર્થીઓ સાથે કેરમ રમ્યા હતા અને બાલમંદિરના બાળકો સાથે પણ સારો સમય વિતાવ્યો હતો. તેમજ આપણા દેશના યુવાનો જે ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે તેના બળ પર વિકસિત ભારતનું નિર્માણ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *