સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠમાં તારીખ 1મે, 2024ના રોજ “STARS OF HONOUR” સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મી વિદ્યાપીઠમાં આવેલ લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ,પ્રિ-પ્રાઈમરી સ્કૂલ, લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ, લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કાર્ય કરનાર આચાર્ય, શિક્ષકો, ક્લાર્ક, માળીઓ, સિક્યુરિટી ગાર્ડ તેમજ સંકુલને લગતા અન્ય તમામ કર્મચારીગણ કે જેઓએ લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલમાં 10 વર્ષ કે તેનાથી વધુ વર્ષથી કાર્યરત રહ્યા છે. તેમને પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી વિજેતા ગફુરભાઈ બિલાખિયા અને ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા એ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા તરફથી પદ્મશ્રી ગફુરભાઈ બિલાખિયાનું EXCELLENCE AWARD આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ચુનીભાઇ ગજેરા એ જણાવ્યું હતું કે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ 18 વર્ષ પૂર્ણ કરીને 19 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે જેની ઉજવણીના ભાગરૂપે આ સંસ્થામાં છેલ્લા દસ વર્ષથી વધુ વધારે સમયથી કામ કરતા શિક્ષકો, ડ્રાઇવરો, સિક્યુરિટી સ્ટાફ, શાળા કોલેજના કર્મચારીઓ પરિવારની જેમ જોડાયેલા રહ્યા છે. જેઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ સંસ્થા સાથે જોડાયેલ હોય એવા અંદાજિત 400 જેટલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે.
અહીં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને સંસ્થાના પરિવારના સભ્યો ગણવામાં આવે છે. જેના થકી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લગભગ 400 થી વધુ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સરીગામ ખાતેની આ લક્ષ્મી વિદ્યાપીઠમાં શાળા અને કોલેજના મળીને 3600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
એ ઉપરાંત અમરેલી થી સરીગામ સુધીમાં સંસ્થા હેઠળ અન્ય કોલેજો શાળાઓ આવેલી છે. જેમાં 50,000 જેટલા બાળકો અભ્યાસ કરે છે. સંસ્થા દ્વારા પોતાની મેડિકલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ ચલાવવામાં આવે છે. અનાથ બાળકો માટે વાત્સલ્ય ધામ નામની સંસ્થા ચલાવવામાં આવે છે જેમાં 835 જેટલા અનાથ બાળકોને ભણાવવામાં આવે છે.
વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે વિશે કાળજી રાખવામાં આવે છે. સંસ્થામાંથી ભણીને બાળકો દેશનું ભવિષ્ય બને દેશના વિકાસમાં સહભાગી થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં ટ્રસ્ટી કુ.કિંજલબેન ગજેરા તથા લક્ષ્મી વિદ્યાપીઠના ડિરેક્ટર, આચાર્યશ્રીઓ તરફથી સન્માન મેળવનાર તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ અન્યોને પણ આજ રીતે ઉમંગ અને ઉત્સાહથી વધુ સમય સંસ્થામાં જોડાઈને કાર્ય કરવા માટે પ્રેર્યા હતા.તમામ કર્મચારીઓમાં ખુશી ની લાગણી જોવા મળી હતી.