Saturday, July 27News That Matters

વલસાડ-ડાંગ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ જીતના પ્રબળ દાવેદાર…? ભાજપમાં જ ગણગણાટ….!

વલસાડ-ડાંગ લોકસભા બેઠક માટે એવું કહેવાય છે કે, જે પક્ષ આ સીટ જીતે કેન્દ્રમાં તેની સરકાર બને છે. જો કે, અત્યાર સુધીનો આ સિલસિલો કદાચ આ વખતે તૂટે તેવી સંભાવના રાજકીય પંડિતોમાં વ્યક્ત થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024માં દરેક પક્ષોનું આંકલન કરતા રાજકીય પંડિતો માને છે કે, આ ચૂંટણીમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મજબૂત ઉમેદવાર છે. જેની સામે ભાજપના ઉમેદવાર નબળા પુરવાર થઇ રહ્યા છે. એટલે આ વખતની ચૂંટણીમાં વલસાડ-ડાંગ બેઠક કદાચ કોંગ્રેસ જીતે અને કેન્દ્રમાં ભાજપની સરકાર યથાવત રહેશે.

રાજકીય પંડિતોનું અને કેટલાક ભાજપના જુના જનસંધી નેતાઓનું માનીએ તો, વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે આ ચૂંટણીમાં કટોકટીની ફાઈટ થઈ શકે છે. આ બેઠક પર કોંગ્રેસે આ વિસ્તારમાં લોકપ્રિય આદિવાસી નેતા અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. જેની સામે ભાજપે ધવલ પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. બન્ને ઉમેદવારોમાં કોંગ્રેસના ઉમેદવાર એવા અનંત પટેલની લોકપ્રિયતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલની સરખામણીએ ખૂબ જ વધુ છે.

વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 18,59,974 મતદારો છે. જે પૈકી ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા સહિતની ચારેય વિધાનસભા વિસ્તારમાં આદિવાસી સમાજનું પ્રભુત્વ સૌથી વધુ છે. તેમજ આ વિસ્તારમાં કોંગ્રેસના નેતા અનંત પટેલની લોકપ્રિયતા પણ વધુ છે. આ 4 વિધાનસભામાં કુલ 10,72,308 મતદારો નોંધાયા છે.

જ્યારે, વલસાડ, પારડી, ઉમરગામ વિધાનસભા પર ભાજપનું પ્રભુત્વ છે. ત્રણેય બેઠકના મળીને કુલ 8,32,963 મતદારો છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે જેને મેદાને ઉતાર્યા છે. એ ધવલ પટેલ નું અહીં કોઈ જ પ્રભુત્વ નથી. મોદીના નામે કદાચ ધવલ પટેલ આ વિસ્તારમાં બાજી મારી જાય તો પણ કોંગ્રેસ સારા એવા મતો આ વિસ્તારમાંથી પણ મેળવી શકે છે. એટલે જો કોંગ્રેસ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સારી રણનીતિ સાથે આગળ વધે તો આ બેઠક કોંગ્રેસને મળી શકે છે.

વલસાડ-ડાંગ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ડાંગ વિધાનસભા બેઠકમાં 1,97,008 મતદારો છે. વાંસદા બેઠકમાં 3,01,493 મતદારો છે. ધરમપુર બેઠકમાં 2,54,912 મતદારો છે. કપરાડા બેઠકમાં 2,73,895 મતદારો છે. ઉમરગામ બેઠકમાં 2,93,108 મતદારો છે. વલસાડ બેઠકમાં 2,68,050 મતદારો છે. પારડી બેઠકમાં 2,71,508 મતદારો છે.

વિધાનસભા બેઠક વાઇઝ ભાજપ-કોંગ્રેસના વોટ શેર જોઈએ તો, વાંસદામાં કોંગ્રેસ ના 52 ટકા વોટ શેર છે. જેની સામે ભાજપના વોટ શેર 43 ટકા છે. ધરમપુરમાં કોંગ્રેસના 52 ટકા વોટ શેર છે જેની સામે ભાજપમાં 47 ટકા વોટ શેર છે. કપરાડા માં કોંગ્રેસ-ભાજપ વચ્ચે 50-50 ટકા વોટ શેર છે. વલસાડ માં કોંગ્રેસના વોટ શેર માત્ર 40 ટકા છે. ભાજપના 60 ટકા વોટ શેર છે.

પારડીમાં કોંગ્રેસના માત્ર 30 ટકા વોટ શેર છે. ભાજપના 64 ટકા વોટ શેર છે. ઉમરગામ માં પણ ભાજપના 60 ટકા વોટ શેર છે. કોંગ્રેસના માત્ર 34 ટકા વોટ શેર છે. ડાંગ માં કોંગ્રેસના 55 ટકા જ્યારે ભાજપના 45 ટકા વોટ શેર છે. આ લોકસભા બેઠક પર ચૂંટણી સમયે સરેરાશ 74 ટકા થી 76 ટકા સુધી મતદાન થતું આવ્યું છે. આ વખતે કદાચ 80 ટકા આસપાસ મતદાન થવાની ધારણા છે. જેમાં પણ આદિવાસી પટ્ટા માં આંકડો 85 ટકા મતદાન સુધી જઈ શકે છે. જેનો લાભ કોંગ્રેસના ઉમેદવાર એવા અનંત પટેલને મળી શકે છે.

દર વખતેની ચૂંટણીમાં શહેરી વિસ્તાર ગણાતા વલસાડ, વાપી, પારડી, ઉમરગામ માં મતદાન નો રેશિયો નીચો રહેતો આવ્યો છે. આ વિસ્તારમાં ભાજપના કમિટેડ વોટર્સ છે. પરંતુ મતદાન ના નીચા લેવલને કારણે ભાજપના ઉમેદવારને તેનો જોઈએ તેવો લાભ મળી શકે તેમ નથી. જો એવું થયું તો, 5 લાખની લીડથી જીતવાના જોશમાં ઉછળતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પાતળી સરસાઈ થી પણ જીત મેળવી ચૂંટણીમાં ડંકો વગાડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *