જે તમને રાજનીતિમાં ઉંચા હોદ્દા પર બેસાડે એ ગુરુ કહેવાય અને ગુરુની કામગીરી પર સંશય કરવો એ શિષ્ય ને ક્યારેય શોભે નહિ. પરંતુ જે વડાપ્રધાનની આંગળી પકડી વલસાડ ડાંગ ના સાંસદ બન્યા છે. એવા અતિ ઉત્સાહી ધવલ પટેલે સંસદ માં વડાપ્રધાન મોદી સાહેબના જ ડ્રિમ પ્રોજેકટ અંગે સવાલ કરી જવાબ માંગ્યો છે. વલસાડ-ડાંગ લોકસભાના ઉત્સાહી સાંસદ અને હાલ માં જ દંડક ની જવાબદારી મેળવેલ ધવલભાઈ પટેલે સંસદમાં મોદી સાહેબના ડ્રિમ પ્રોજેકટ મનાતા બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માહિતી માંગી હતી.લોકસભાના દંડક અને વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સંસદ માં તેમના અતિ ઉત્સાહભર્યા પ્રથમ વક્તવ્યમાં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. જે બાદ તેમણે લોકસભા સત્ર દરમ્યાન લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીના માધ્યમથી કેન્દ્ર સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માહિતીઓ માંગી હતી કે બુલેટ ટ્રેનની વર્તમાન સ્થિતિ શું છે? ભારતમાં ક્યાં સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થશે? વંદે ભારત ટ્રેન ની સંખ્યા કેટલી છે? રાજ્યવાર વંદે ભારત કેટલી ચાલી રહી છે? શું સરકાર આગામી દિવસોમાં વાપી વલસાડથી મુંબઈ સુધીની વંદે ભારત શરૂ કરશે? જો કે આ સવાલોના જવાબમાં બુલેટ ટ્રેન અને ભારતના સંપૂર્ણ રેલવે માળખા પર સતત સતર્ક બની ઉમદા કામગીરી નિભાવતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો અને કોમ્પલેક્ષ પ્રોજેક્ટ છે. રેલવે નેટવર્કમાં સ્પીડનું ખૂબ જ મહત્વ છે. એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અને બુલેટ ટ્રેનની ડિઝાઇનમાં જાપાનના એક્સપર્ટ સાથે ની ચર્ચા કરી ડીટેઇલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તેના જે પિયર્સ અને ફાઉન્ડેશન, વાયાડક છે તેની નિર્માણ કામગીરી 320km સુધીની પૂર્ણ કરી લેવામાં આવી છે.
ટોટલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિલોમીટરનો છે. તેવી માહિતી આપતા રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પ્રોજેકટ કામગીરી માં વિલંબ થયો હતો. પરંતુ હવે મહારાષ્ટ્રમાં 21 કિલોમીટર લાંબી સમુદ્રમાં સી-ટનલ બનશે. BKC સ્ટેશનનું કામ શરૂ છે. જમીન એકવાયરનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર હાલ તે જ ગતિથી કામ ચાલી રહ્યું છે.
જ્યારે વંદે ભારત અંગેના સાંસદના સવાલના જવાબમાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે મુંબઈથી અમદાવાદ વચ્ચે હાલ બે વંદે ભારત ચાલે છે અને તે વલસાડમાંથી જ પસાર થાય છે એટલે આગામી દિવસોમાં જો એવી કોઈ જરૂરિયાત ઊભી થશે તો તે વ્યવસ્થા કરશે.
જો કે, સાંસદના આ સવાલથી એ સવાલ ઉભો થાય છે કે, બુલેટ ટ્રેન અને વંદે ભારત મોદી સાહેબનો ડ્રિમ પ્રોજેકટ છે. અને તેની કામગીરી સમયાંતરે રેલવે મંત્રાલય અખબારી યાદી સાથે જણાવતું રહ્યું છે. તો, શુ એ કામગીરીની વિગત માં કે પ્રોજેકટ માં સાંસદ ને ક્યાંય સંશય છે? વલસાડ-ડાંગ માટે સંસદમાં પૂછવા લાયક અને માહિતી માંગવા લાયક અન્ય ઘણા પ્રશ્નો છે. જેમ કે હાઈવે પર હાલમાં પડેલા ખાડા, બ્રિજ ની કામગીરી, મત્સ્ય બંદર, કાર્ગો બંદર, ઔદ્યોગિક વિસ્તાર ને સ્પર્શતા મુદ્દાઓ, કપરાડા ડાંગમાં આદિવાસી સમાજ માટે પાયાની સગવડો, શુદ્ધ પીવાના પાણીની અને આરોગ્ય, શિક્ષણની જરૂરિયાત…. પરંતુ, ઉત્સાહી સાંસદને આ મુદ્દાઓ કરતા બુલેટ ટ્રેન અને વંદે ભારત ને વલસાડ માં સ્ટોપેજ મળે એ કેમ મહત્વનું લાગ્યું એ સંશય વલસાડ ડાંગની જનતામાં જાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સાંસદ ધવલભાઈ પટેલે આ ઉપરાંત વલસાડ સ્ટેશનને વધુ પ્રાધાન્ય સાથે વલસાડ સ્ટેશનને વિવિધ ટ્રેનોનું સ્ટોપેજ મળે જેમ કે શતાબ્દી એક્સપ્રેસ, ઈન્દોર એક્સપ્રેસ, ગાંધીધામ એક્સપ્રેસ, બાંદ્રા ચંદીગઢ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર રોકવા માટે પણ રેલ્વે મંત્રી ને ખાસ વિચારણા હેઠળ અલગથી માંગણી સાથે વિનંતી કરી છે. તેમજ ઉમરગામ થી સુરત અને વસઈ થી વલસાડ સુધીની મુખ્ય સ્ટેશનોને આવરી લેતી નોન સ્ટોપ અપ ડાઉન મેમુ ટ્રેનો માટે પણ વિનંતી કરી હતી.
વિડિઓ, ફોટો સૌજન્ય… લોકસભા…..