વાપી GIDC માં ફર્સ્ટ ફેઈઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ કંપની માં ગત રોજ એક કામદારનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહ નહિ સ્વીકારી આ અંગે ન્યાય ની માંગ કરતી અરજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કરી હતી. જેથી MLA અનંત પટેલે કંપની ની મુલાકાત લઈ ઘટના કઈ રીતે બની તેનું નિરીક્ષણ કરી કંપનીના માલિકો સાથે મૃતકના પરિવારને વળતર મળે તેમજ મૃત્યુના ચોક્કસ કારણો જાણવા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે GIDC પોલીસ મથકે PI સમક્ષ રજૂઆત કરી હતી.સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ નવસારીના વાંસદા તાલુકાના કુરેલીયા ગામે રહેતો 38 વર્ષીય સુનીલ પરભુ પટેલ વાપી GIDC માં ફર્સ્ટ ફેઈઝમાં આવેલ ક્લિપકો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 9 વર્ષથી કામ કરતો હતો. જે ગત રોજ કંપનીમાં ફરજ પર કામ કરી રહ્યો હતો. ત્યારે, તેમના ટેબલ નજીક અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તે મૃત્યુ પામ્યો હતો. જે અંગે કંપની સંચાલકોએ તેને એટેક આવતા મૃત્યુ પામ્યો હોવાનું જણાવી મૃતકના મૃતદેહને તેમના પરિવારજનો પાસે મોકલી આપ્યો હતો. જો કે, પરિવારજનોને આ અંગે શંકા જતા તેના મૃત્યુનું ચોક્કસ કારણ જ્યાં સુધી જાણવા મળે નહીં ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાનું જણાવી આ સમગ્ર ઘટના અંગે વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ ન્યાયની માંગ કરી હતી. જેથી MLA અનંત પટેલ વાપીમાં આવેલ ક્લિપકો કંપનીની મુલાકાતે આવ્યાં હતાં. અને કંપનીના કામદારો સાથે તેમજ માલિકો સાથે ચર્ચા કરી હતી. જેમાં કામદારોએ જણાવ્યું હતું કે, મૃતક સુનિલ જે ટેબલ ઉપરના મશીન પર કામ કરતો હતો. ત્યાં તેને વીજ કરંટ લાગ્યો હતો. અને વીજ સપ્લાયની સ્વીચ બંધ કરતા જ તે ઢળી પડ્યો હતો. આ ઘટના દરમ્યાન અન્ય કર્મચારી ને પણ કરંટની ઝણઝણાટી વર્તાઈ હતી. જે સાંભળી MLA અનંત પટેલે કંપનીના સંચાલકોનો ઉધડો લીધો હતો. જે બાદ વાપી GIDC પોલીસ મથક ખાતે આવી પોલીસ ઇન્સ્પેકટર મયુર પટેલ સમક્ષ આ મામલે તપાસ કરવા રજુઆત કરી હતી. સમગ્ર મામલે અનંત પટેલે જણાવ્યું હતું કે, સુનિલનું મૃત્યુ કંપની સંચાલકોની બેદરકારીથી થયું છે. કંપની માં ઠેકઠેકાણે ખુલ્લા વીજવાયરો છે. શેડમાંથી પાણી પડે છે. અને તે ઘટના પર કંપની સંચાલકો ઢાંક પિછાળો કરી રહ્યા છે.અનંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારી માંગ છે કે, મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થાય. તેના વિશેરા લેબમાં મોકલવામાં આવે. મૃતક પરિવારમાં તેમની પત્નીને વળતર અને પેંશન મળે, બાળકોની શિક્ષણની જરૂરિયાત પૂરી કરવામાં આવે અને હાલ આ મામલે કંપનીના કામદારો સ્ટ્રાઈક પર છે. જેઓ જ્યાં સુધી કંપની સંચાલકો ન્યાય નહિ આપે ત્યાં સુધી સ્ટ્રાઈક પર રહેશે ત્યારે તેઓનો પણ જે પગાર છે તે ચુકવવામાં આવે. જો કંપની સંચાલકો આ માંગ નો અસ્વીકાર કરશે તો કંપનીની સામે તેઓ પોતે કામદારો સાથે ધરણા પર બેસશે.મૃતક સુનિલના પરિવારજન એવા બિપિન પટેલે જણાવ્યું હતું કે, મૃતક બિપિન પરિવારમાં પત્ની, 2 નાની વયના સંતાનો અને માતાપિતા માટે એક જ કમાનાર વ્યક્તિ હતો. તેના માતાપિતા બન્ને બીમાર છે. જેની સારવારનો અને પત્ની, બાળકોનો તમામ ખર્ચ તે ઉઠાવતો હતો. જેના જવાથી પરિવાર નિઃસહાય બન્યો છે. હાલમાં MLA અનંત પટેલ તેમની મદદે આવ્યા છે. જેથી તેમને ન્યાયની આશા છે.ઉલ્લેખનીય છે કે, MLA અનંત પટેલ સાથે કંપનીના 400 જેટલા કામદારો, કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ કંપની માં સ્થળ વિઝીટ કરી સંચાલકો સાથે ચર્ચા કરી હતી. જે બાદ વાપી GIDC પોલીસ મથકે પણ કામદારોની ભીડ ઉમટેલી જોવા મળી હતી. તમામે મૃતક સુનિલના પરિવારને ન્યાય મળે તેવી આશા સેવી છે.