Monday, September 16News That Matters

વાપીના ખાડા માર્ગ મામલે ઇન્ડિયા ગઠબંધનનું ખાડા પૂજન, પાલિકામાં આવેદનપત્ર આપવા ગયા તો, પાલિકા પ્રમુખ, CO ઓફિસ છોડી ભાગી ગયા:- ખંડુભાઈ પટેલ, વિપક્ષી નેતા

વાપી નગરપાલિકા વિસ્તારના બિસ્માર બનેલા માર્ગથી જનતા પરેશાનીનો સામનો કરી રહી છે. ત્યારે, હવે રહી રહીને ઇન્ડિયા ગઠબંધન જાગ્યું છે. 6 સપ્ટેમ્બરના શુક્રવારે વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના નેતાઓએ વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું. તો, ગીતા નગરમાં રસ્તાઓ પર પડેલ ખાડાઓનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા સૂત્રોચ્ચાર કર્યા હતાં. ‘ભાજપ તેરે રાજ મૈં, ખાડા દેવતા આ ગયે’ ખાડા પૂરો ભાઈ ખાડા પૂરો, ‘હાય રે, ભાજપ હાય હાય’, ‘ભાજપ તેરી તાનશાહી નહિ ચલેગી, નહિ ચલેગી’, ‘500 મેં બીક જાઓગે તો ઐસા હી રસ્તા પાઓગે’ જેવા સૂત્રોચ્ચાર સાથે વાપીમાં આવેલ ગીતાનગરના મુખ્ય માર્ગ પર ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ દ્વારા ખાડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાપી નગરપાલિકા ના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આંધળી બહેરી અને તાનશાહી સરકારમાં તમામ માર્ગો હાલ ખાડા માર્ગ બની ગયા છે. વાહનચાલકોને પારાવાર તકલીફ પડી રહી છે. વાહનોમાં અભ્યાસ અર્થે શાળા- કોલેજમાં જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી રહી છે. અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વેપારીઓ, રોજગાર ધંધા અર્થે નીકળતા કામદારો તમામને આ સમસ્યા નડી રહી છે. ત્યારે, ઇન્ડિયા ગઠબંધન દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપી મુખ્ય માર્ગ પરના ખાડાઓનું પૂજન કર્યું છે. વિપક્ષી નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, આવા ખાડાઓથી અત્યાર સુધીમાં અનેક અકસ્માત થયા છે. જીવ ગયા છે. ત્યારે, ખાડા દેવતાને વિનંતી કરવામાં આવી છે કે, કોઈનો જીવ ના લે આ માટે પૂજન કરવામાં આવ્યું છે. સાથે જ આવેદનપત્રમાં ચીમકી આપી છે કે 10 દિવસમાં માર્ગ પરના આ ખાડાઓનું મરામત નહીં થાય તો, જનહિતનું આંદોલન કરી નગરપાલિકાનો ઘેરાવ કરીશું, નગરપાલિકાની તાળાબંધી કરીશું. અને પાલિકાના ઊંઘતા સત્તાધીશોને જગાડીશું. 

વિપક્ષના નેતા ખંડુભાઈએ આક્ષેપ કર્યા હતા કે, જ્યારે, તેઓ આવેદનપત્ર આપવા ગયા ત્યારે, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ બધા લે ભાગુ થઈ ગયા હતા. કેમ કે, ખાડાઓથી જે જાનહાની થઈ રહી છે તેના નિરાકરણનો તેમની પાસે કોઈ જવાબ નથી. એટલે ઓફિસ છોડીને ભાગી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે વાપીના રસ્તાઓ મામલે અત્યાર સુધી કોઈ મોટું જનઆંદોલન નથી કર્યું. હંમેશા સત્તાપક્ષ સામે દબાઈ રહેલો વિપક્ષ હવે અચાનક ખાડા માર્ગ મામલે વિરોધ કરવા નીકળ્યો છે. તો તેઓ અત્યાર સુધી ક્યાં હતાં. જે સવાલના જવાબમાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, તે વાપીની જનતાને જગાડવા નીકળ્યા છે. આ આંધળી બહેરી સરકાર અને તાનાશાહી વાળી સરકાર છે. હાલમાં અમે 10 દિવસના અલ્ટીમેટમ સાથેની જે ચીમકી આપી છે તે કરી બતાવીશું. ત્યારે હવે જોવું રહ્યું કે, ઇન્ડિયા ગઠબંધનની આ ચીમકી પાલિકાના સત્તાધીશો ને કેટલી અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *