શનિવાર 7મી સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વકની ઉજવણી શરૂ થઈ રહી છે. ત્યારે, આ ધાર્મિક મહોત્સવને દેખાદેખીનો મહોત્સવ બનાવનાર ગણેશ મંડળના આયોજકો માટે ચેતવણી સમાન ઘટના વાપીમાં બની છે.
ઇમેજ સૌજન્ય સોશ્યલ મીડિયા…….
વાપી જી.આઇ.ડી.સી.ના ચણોદ કોલોનીમાં ગણેશ મંડપ બાંધતી વખતે કરંટ લાગતા 24 વર્ષીય સુનિલ પ્રભુભાઈ ભુરકુંડ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક યુવક મૂળ વાડી મુળગામ ફળીયા, તા.કપરાડાનો વતની હતો. હાલ તે વાપીમાં ડુંગરા ડુંગરી ફળીયા શેઠ નીલેશભાઈના રૂમની બાજુના શેડમાં રહેતો હતો.
જે ચણોદ કોલોનીમાં આવેલ શ્રી રામ મંદિરની બાજુમાં ગણેશ મહોત્સવ અંતર્ગત આયોજકો દ્વારા તૈયાર કરેલ ગણપતીનુ મંડપ બાંધવા ગયો હતો. જ્યાં મંડપ બાંધવાની લોખંડની એન્ગલ ઉપર ચડી કામ કરી રહ્યો હતો. ત્યારે, કરંટ લાગતા આશરે 15 ફુટની ઉંચાઈથી નીચે પડી ગયો હતો. જેને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યા સારવાર દરમ્યાન ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
સમગ્ર ઘટના મામલે GIDC પોલીસને જાણકારી આપતા પોલીસે મૃતકના મૃતદેહને PM માટે મોકલવા સાથે મૃત્યુના કારણો જાણવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગણેશ મહોત્સવ પાછળ એક સમયે જે ભક્તિ અને ધાર્મિક આસ્થા જોડાયેલ હતી તે હાલના સમયમાં વિસરાઈ રહી છે. મોટાભાગના સ્થળોએ ગણેશ મહોત્સવ એ દેખાદેખી નો મહોત્સવ બની ચુક્યો છે. ગણેશ મહોત્સવ દરમ્યાન અનેક મંડળો લોકોને આંજી દેતા શણગાર કરે છે.
સરકારની ગાઈડલાઈન વિરુદ્ધની મસમોટી મૂર્તિઓનું સ્થાપન કરે છે. મંડપમાં જ DJ ના તાલે ભક્તોને શરમાવે તેવા અભદ્ર શબ્દો ધરાવતા ગીતો પર નાચગાનના આયોજન થાય છે. ફંડફાળાના નામે મોટું ઉઘરાણું કરવું, મંડપમાં જ રાત્રે જુગારના દાવ રમાડવા જેવી અનેક બદીઓ મહોત્સવની ધાર્મિક લાગણી દુભાયાની પ્રતીતિ કરાવે છે.