Tuesday, October 22News That Matters

બલિઠા માં નવા સર્વિસ રોડ પર પાર્ક કરેલ ટ્રક ચાલકો સામે પોલીસની કાર્યવાહી બાદ પણ સ્થિતિ જૈસે થે… જેવી જ…! 

બલીઠા મામલતદાર કચેરી સામે નવા જ બનેલા સર્વિસ રોડ પર દરરોજના ભારે વાહનોના જમાવડાને કારણે અહીં રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, સર્વિસ રોડના કિનારે જ ગેરેજો આવેલી હોય આ ગેરેજ સંચાલકો સર્વિસ રોડ પર જ મોટા વાહનો ઉભા કરીને ત્યાં જ ગેરેજને લગતું કામ કરવા લાગતા આખો સર્વિસ રોડ જાણે ગેરેજ સંચાલકો માટે બનાવવામાં આવ્યો હોય એવો એહસાસ સ્થાનિક લોકોને થઇ રહ્યો છે, સર્વિસ રોડ બન્યો એના બે થી ત્રણ મહિનામાં જ કેટલાક નાના મોટા અકસ્માતો પણ નોંધાઈ ચુક્યા છે, જેથી સર્વિસ રોડ પર બેપરવાઈ રીતે વાહનો પાર્ક કરતા વાહન ચાલકોની સાન ઠેકાણે લાવવા ગઈ કાલે રાત્રે વાપી પોલીસ હરકતમાં આવી હતી અને બલીઠા ગેટથી લઈને બ્રહ્મદેવ મંદિર સુધી સર્વિસ રોડ પાર્ક કરેલી તમામ ટ્રકોના ટાયરોની હવા કાઢી નાખી હતી, રાત્રે ટ્રકોની હવા કાઢી નાખતા આ વાહનો સવાર સુધી સર્વિસ રોડ પર પડી રહ્યા હતા, જે બાદ વહેલી સવારે ટ્રક ચાલકો ટ્રકોમાં હવા ભરીને અહીંથી ચાલતી પકડી હતી, તેમ છતાં તેની જગ્યાએ અન્ય ટ્રક ચાલકો આવીને પોતાની ટ્રકો પાર્ક કરી ગયા હતા, આમ પોલીસની કાર્યવાહીની ટ્રક ચાલકો પર કોઈ જ અસર જોવા મળી નહોતી, ઉપરથી ગઈ કાલે રાત્રે જે ટ્રકોના ટાયરોની હવા પોલીસે કાઢી નાખી હતી, તે ટ્રક ચાલકો સવારે હવા પૂરાવવાની રાહ જોઈને હોટલ ઢાબાઓમાં જમવા અથવા પોતપોતાની રૂમોમાં સુવા ચાલ્યા ગયા હતા, જેનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો, રાત્રે 11 થી 12 વાગ્યાની વચ્ચે કેટલાક તસ્કરો ટ્રકોનો સામાન ચોરવા પધાર્યા હતા, પરંતુ અન્ય ટ્રક ચાલકો પોતાની ટ્રકોમાં જ સુતા હોય તેમના કારણે તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો, જો કે હાલ તો પોલીસની આકસ્મિક કાર્યવાહીની ગામલોકોએ પણ ભારે પ્રસંશા કરી છે, અને સર્વિસ રોડને બાપની જાગીર સમજીને જમાવડો કરતા ટ્રક ચાલકો સાથે સર્વિસ રોડ પર જ ગેરેજ ખોલીને બેસી ગયેલા ગેરેજ સંચાલકો સામે પણ વારે તહેવારે કડક કાર્યવાહી હાથ ધરીને સર્વિસ રોડને માત્ર વાહનોની અવરજવર માટે જ ખુલ્લો રાખવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *