વાપી નજીક આવેલ કરવડ ગામે ગામના સરપંચના ઘરે ચોરીની ઘટના બનતા ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલ અને તેનો પરિવાર ગત રાત્રીએ જમી પરવારી ઘરના ઉપરના માળે આવેલ બેડરૂમ માં સુઈ ગયા હતાં. ત્યારે, 3 જેટલા ચોર છરો, લાકડા નો ધોકો લઈ પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા હતાં.
રાત્રે ત્રણેક વાગ્યા બાદ ઘરમાં નીચેના માળે આવેલ બેડરૂમ માં ઘુસેલા ચોરોએ ઘરની ચીજવસ્તુઓ ફંફોસી હતી. જેમાં પૂજા ઘરમાં રાખેલ લક્ષ્મીજીની, ગણેશની ચાંદીની મૂર્તિ, પાટલો, ચાંદીનો દીવો ચોરી કરી નાસી ગયા હતાં. ઘટના અંગે જ્યારે સરપંચને જાણ થઈ તો તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં કુલ ત્રીસ હજાર રૂપિયાની કિંમતની ચાંદીની ચીજવસ્તુઓ 3 જેટલા ચોર ચોરી ગયા હોવાનું જણાવ્યું છે. ઘરમાં લગાવેલ CCTV ફૂટેજ ચેક કરતા ત્રણેય ઈસમો પૈકી એક ચોરે મોઢે બુકાની બાંધી હતી. અન્ય ચોરે ચહેરો ઢંકાય તેવું વસ્ત્ર પહેર્યું હતું. તેમજ ચોરના હાથ ચાકુ અને લાકડાનો ધોકો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.