કરવડમાં એક મહિલાના ઘરના રસોડામાં ઘુસી આવેલ અજગર રસોડાની નજીકના ટોયલેટના કોમોડમાં ફસાઈ જતા તેને જોવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અજગરને બહાર કાઢવા વાપી એનિમલ રેસ્ક્યુ ની ટીમની મદદ લેવાઈ હતી. જેઓએ દોઢ કલાકની મહેનત બાદ અજગરને કોમોડમાંથી બહાર કાઢી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.
મોડી રાત્રે વાપી તાલુકાના કરવડ ગામમાં એક મહિલાના ઘરના રસોડામાં ચાર ફૂટ લાંબો સરિસૃપ અચાનક ઘુસી ગયો હતો. તેણે રસોડાનો દરવાજો બંધ કરી પડોશના લોકોને બોલાવી તેને બહાર કાઢવાની વિનંતી કરી હતી.
આ માહિતી વાપી એનિમલ રેસ્ક્યુ ટીમને આપવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ અડધા કલાક સુધી આખા રસોડાના ખૂણે ખૂણે શોધખોળ કરી હતી પરંતુ ત્યાં કોઈ સાપ દેખાયો નહોતો.
ટીમે મહિલાનું નિવેદન લઈને ફરી શોધખોળ શરૂ કરી હતી. આ વખતે રેસ્ક્યુ ટીમે રસોડાની પાસેના ટોયલેટમાં તેની શોધખોળ કરી પરંતુ ત્યાં પણ કંઈ મળ્યું નહીં. અંતે, જ્યારે તેઓએ શૌચાલયની પાછળની ચેમ્બર ખોલીને તેને શોધવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને શૌચાલયની આઉટલાઇન પાઇપમાં સાપ ફસાયેલો જોવા મળ્યો. પાઇપમાં ફસાયેલા સાપને અજગર તરીકે ઓળખવામાં આવે છે. જે ભારે અને લાંબો સરિસૃપ છે, જો કે આ સાપ બિનઝેરી છે.
લગભગ દોઢ કલાકની જહેમત બાદ આઉટલાઇનની પાઇપ તોડીને બહાર કાઢવામાં આવી હતી. જો કે કમોડમાંથી અજગરને બહાર આવતા જોઈને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ જ્યારે ટીમ દ્વારા તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો અને અજગર વિશે માહિતી આપવામાં આવી તો તેમને શાંતિ થઈ. ટીમ દ્વારા અજગરને સુરક્ષિત રીતે બચાવીને નજીકના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સરિસૃપ માટે તેમના કુદરતી રહેઠાણમાં રહેવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. જીવવા માટે ખોરાક અને રહેવા માટે આશ્રયની જરૂર છે, આ કારણોસર તેમને ખોરાક અને આશ્રયની શોધમાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાં આવવું પડે છે.