Saturday, December 21News That Matters

વાપી GIDC માં આવેલ આ કંપનીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડા અને સ્ટીમથી આસપાસની કંપનીઓની વધી રહી છે પરેશાની, GPCB ની કાર્યવાહી પર પ્રશ્નાર્થ…?

વાપી GIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નાની મોટી મળીને 4 હજાર જેટલી કંપનીઓ આવેલી છે. વાપી GIDC ની સ્થાપના થઇ ત્યારથી તે પર્યાવરણ મામલે સતત બદનામ થતી રહી છે. હાલમાં પણ GIDC માં આવેલ કેટલાક એકમો આ બદનામીના ડાઘ ને ભૂસવાના બદલે તેને વધુ મોટો કરવામાં રત છે. જેને કારણે પર્યાવરણની જાળવણીમાં સતર્ક રહેનારી કંપનીઓ પણ નાહકની બદનામ થઈ રહી છે.

વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલી આવી જ એક કંપની રોજના મોટેપાયે સ્ટીમ ઉત્પન્ન કરી તેને આકાશમાં છોડી રહી છે. જો કે, કંપની ના સંચાલકોનું અને GPCB ના અધિકારીઓનું માનીએ તો આ સ્ટીમમાં 80 ટકા પાણી અને માત્ર 20 ટકા કાર્બન એટલે કે ધુમાડાના ઘટકો હોય તેને મંજૂરી મળી છે. આ સ્ટીમ આકાશમાં વધુ ઊંચે જવાને બદલે ચીમની વાટે બહાર નીકળ્યા બાદ આસપાસના જમીની વિસ્તારમાં નીચે ઉતરે છે. જેને કારણે આસપાસની કંપનીઓમાં અને મુખ્ય રસ્તાઓ દિવસના પણ ધુંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આસપાસની કંપનીઓમાં રીતસરની કોઈ આગની ઘટના બાદ જાણે પાણીનો મારો ચલાવ્યો હોય અને જે ધુમાડો આસપાસમાં વિસ્તરે તેવો માહોલ ઉભો થઇ રહ્યો છે. જેનો લાભ અન્ય કંપનીઓ પોતાની કંપનીઓનો ગેસ છોડીને તેમજ ધુમાડો છોડીને લઈ રહી છે. જ્યારે અન્ય કંપનીઓ આ બાબતે જાગૃત હોવા છતાં બદનામ થઈ રહી છે.

સુત્રોનું માનીએ તો Copper Phthalocyanine Crude Blue, Pigment Alpha Blue 15:0 and 15:1, and Pigment Beta Blue 15:3 and 15:4 જેવી પ્રોડકટનું ઉત્પાદન કરતી અને સ્ટીમ ને હવામાં છોડતી કંપનીમાં રો-મટીરીયલ તરીકે યુરિયાનો મોટેપાયે વપરાશ કરવામાં આવી રહ્યો છે. જેમાં પણ નિમ કોટેડ યુરિયાનો પણ વપરાશ થતો હોય શકે છે. જે દિશામાં GPCB અને ખેતીવાડી વિભાગે પણ તપાસ કરવી જરૂરી છે.

વાપી GIDCમાં જેમ આ કંપનીનો સ્ટીમ આસપાસના વાતાવરણને ધુંધળું બનાવે છે તેમ વિનંતી નાકા તરફ આવેલ પેપરમિલ અને અન્ય એક કંપની પણ સતત વાતાવરણ ને ધુમાડયું બનાવી રહ્યા છે. આ વિસ્તારમાં ચડેચોક દિવસ દરમ્યાન અનેક વાર ચીમની દ્વારા કાળો ઘટ્ટ ધુમાડો આકાશમાં છોડવામાં આવી રહ્યો છે. આ કંપનીઓની આ પ્રકારની હરકતો સામે GPCB કેમ એક્શન મૉડ માં નથી આવતી તે પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.

એક તરફ GIDC માં વિવિધ એકમો દ્વારા પર્યાવરણીય ઘટકો જેવા કે, આસપાસની હવા, પાણી, જમીન, ધ્વનિ, વનસ્પતિઓ અને પ્રાણીઓને અસર ના પહોંચે તેની કાળજી રાખવી અનિવાર્ય હોવાનું તેમજ પાણીમાં Ph, CoD, BoD અને બેક્ટેરિયા જેવી બાબતો મામલે સજાગ રહેવું જરૂરી છે. જે માટે અવારનવાર GPCB દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. તો, હાલમાં GIDC વિસ્તારમાં કંપનીઓની ચીમનીમાંથી નીકળતા ધુમાડા અને સ્ટીમથી આસપાસની કંપનીઓની વધી રહેલી પરેશાની બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આસપાસના એકમોના સંચાલકોની ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *