Saturday, July 27News That Matters

વાપીમાં હવાની ગુણવત્તાનો આંક (AQI) 293 પર, રાજ્યમાં સૌથી ખરાબ હવામાં વાપી પ્રથમ સ્થાને દેશમાં બીજા સ્થાને…! તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…?

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 29મી ફેબ્રુઆરીએ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 310 પર પહોંચ્યા બાદ દિવસના અંતે 293 પર સ્થિર રહેતા વાપીવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. તો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. 

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 240 સેન્ટરમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હવાનું પ્રદુષણ માપવા ખાસ ઓટોમેટિક મશીન લગાડવામાં આવ્યા છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm2.5,ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જ્યારે PP pm10ને આદર્શ માનવામાં આવે છે. જે મુજબ વાપીમાં ફેબ્રુઆરી 29 ના pm2.5 અને AQI શરૂઆતમાં 310 સુધી નોંધાયા બાદ અંતે 293 પર સ્થિર રહ્યો હતો. જે અતિ ખરાબ હવાની ગુણવત્તા સૂચવે છે.

જે જોતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની વાપી શાખા અને VIA (વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન) કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ફલિત થયું હતું. તંત્ર દ્વારા આ બાબતે કોઈ સક્રીયતા નહીં જણાતા લોકોએ આવા બેખબર તંત્રનો અને એસોસિએશન પર કેટલો ભરોશો કરવો જોઈએ તેવા સવાલો ઉઠ્યા છે. 

આ પહેલા જ્યારે પણ AQI વધ્યો છે ત્યારે વાપી GIDC સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે ગોઠવવામાં આવેલા એર ક્વોલીટી ઓન લાઈન રીડીંગ મશીનમાં ખામી હોવાના બહાના ધરી દેવામાં આવે છે. પરંતુ, વાપીનો AQI ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી ઘણા લોકો તેની નોંધ લેતા હોય છે. એર પોલ્યુશન રીડીંગ મશીન દ્વારા દર્શાવતા ખતરનાક પ્રદૂષણના પ્રમાણથી લોકોમાં દહેશતનું વાતાવરણ સર્જાતું હોય છે.

એક તરફ વાપીમાં નેતાઓ અને ઔદ્યોગિક એકમોના સંચાલકો સંસ્થાઓ સાથે મળી સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના અભિયાન હાથ ધરે છે. ત્યારે બીજી તરફ જીવાદોરી સમાન પ્રાણવાયુ જ સ્વચ્છ નથી. સ્વચ્છ હવા લોકોનો અધિકાર હોવાનું સ્વીકારી સરકારે એર ક્વોલીટી ઈન્ડેક્ષ જાહેર કર્યો છે. જેમાં પીએમ 2.5 30ug/m3 આદર્શ 30ug/m3 થી 60 ug/m3 સંતોષકારક, 61ug/m3 થી 90ug/m3 સારી, 91ug/m3 થી 120 ug/m3 ખરાબ અને 121ug/m3 થી 250ug/m3 ને અતિ ખરાબ, જયારે પીએમ 10માં 50ug/m3 ને આદર્શ, 51ug/m3 થી 100ug/m3 સંતોષકારક, 101ug/m3 થી 200ug/m3 મધ્યમ 201ug/m3 થી 300 ug/m3 ખરાબ, જયારે 301 ug/m3થી 400ug/m3 ને અતિ ખરાબ બતાવ્યો છે.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના હવા પ્રદુષણ અંગે રોજેરોજના આવતા આંકડા મુજબ વાપીમાં 29મી ફેબ્રુઆરી 2024એ AQI (એર ક્વોલીટી ઇન્ડેક્સ) 293 પર પહોંચી જતા વાપીવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. હવાની અતિ ખરાબ ગુણવત્તામાં ગુજરાતમાં વાપીએ પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. દેશના અન્ય શહેરોમાં Byrnihat માં સૌથી વધુ 360 AQI, અગરતલામાં 284 AQI, અમદાવાદમાં 135 AQI, અંકલેશ્વર માં 99 AQI, વટવામાં 107 AQI, ગાંધીનગર માં 98 AQI જ્યારે હવાની ગુણવત્તા માં સદા બદનામ રહેતા દિલ્લીમાં 147 AQI નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, (AQI) હવાની ગુણવત્તા કુલ 6 કેટેગરીમાં માપવામાં આવે છે. જેમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ (AQI) જો 1 થી 50 સુધી હોય તો તેને સારી કેટેગરી ગણવામાં આવે છે. 50 થી 100 AQI ને  સંતોષકારક ગણાય છે જેમાં સંવેદનશીલ લોકોને શ્વાસની તકલીફ વર્તાય છે, 100 થી 150 AQI હોય તો તે મધ્યમ ગણાય છે. જેમાં ફેફસાં, અસ્થમા અને હૃદય રોગવાળા લોકોને શ્વાસની તકલીફ વર્તાય છે, 200 થી 300 AQI ખરાબ ગણવામાં આવે છે. જેમાં લાંબા સમય સુધીનો હવાનો સંપર્ક લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે, 300 થી 400 AQI ને અતિ ખરાબ ગણવામાં આવે છે. જેનાથી શ્વાસનતંત્રની ગંભીર બીમારીઓ થઈ શકે છે. જ્યારે 400 થી 500 વચ્ચેનો AQI ખુબજ ગંભીર ગણવામાં આવે છે. આવી હવા લેવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે અને સ્વસ્થ લોકો પણ ગંભીર રોગના શિકાર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *