Thursday, December 5News That Matters

વાપીમાં રોજગાર કચેરી આયોજિત રોજગાર મેળામાં રજીસ્ટર્ડ 47 ઇન્ડસ્ટ્રીઝ માં 853 યુવાનોની પસંદગી

વાપીના VIA ઓડિટોરિયમમાં રોજગાર કચેરી વલસાડ, ITI પારડી, NCS SC/ST સુરત સેન્ટર અને VIAના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર 1લી માર્ચના રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળામાં જિલ્લાના વિવિધ ખાનગી એકમોમાં ખાલી પડેલ 1652 વેકેન્સી માટે કચેરીમાં નોંધાયેલ 3000 ઉમેદવારોને બોલાવ્યા હતાં. જે પૈકી કુલ 941 ઉમેદવારો સ્થળ પર હાજર રહયા હતાં. જેમાંથી ઉપસ્થિત 47 એકમોમાં 853 ઉમેદવારોની પસંદગી થતા તેઓને રોજગાર મળ્યો છે.

રોજગાર મેળા અંગે વલસાડ રોજગાર કચેરીના અધિકારી પારુલ પટેલે જણાવ્યું હતું કે, રોજગાર કચરી દ્વારા હરહંમેશ આ પ્રકારના રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. આજના રોજગાર મેળામાં એપ્રેન્ટીસશીપ અને રોજગાર મેળો સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો. જેમાં 941 વિદ્યાર્થીઓ/જોબ ઇચ્છુકો અને 47 ઇન્ડસ્ટ્રીઝ સભ્યોએ 1651 ખાલી જગ્યાઓ માટે ભાગ લીધો હતો. જેમાંથી કુલ 853 ઉમેદવારોની હાજર રહેલ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

રોજગાર મેળાના આયોજન પહેલા રજીસ્ટ્રેશન લિંક પર રોજગાર આપનાર અને રોજગાર મેળવનાર બંનેની નોંધણી કરાય છે. જે બાદ જોબ ફેરનું આયોજન કરવામાં આવે છે. આ રોજગાર મેળો નોકરી ઇચ્છુક યુવાનો માટે ઉત્તમ તક સમાન છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે આ એક સરકારી યોજના છે. અને તેનો લાભ દરેક નાગરિકે લેવો જોઈએ કેમ કે, સરકારની દરેક યોજના નાગરિકોની જરૂરિયાત મુજબ જ બનતી હોય છે એટલે તેનો લાભ લેતા રહેવું જોઈએ.

તો, આ રોજગાર મેળામાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ, સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે, VIA હંમેશા જિલ્લાના યુવાનોને રોજગાર આપવા માટે જિલ્લા રોજગાર ખાતા સાથે મળીને ઘણા પગલાં લે છે જેથી કરીને આપણા ઉદ્યોગકાર મિત્રોને પણ તાલીમબદ્ધ કામદાર મળે. જે અંગે VIA પ્રમુખ સતીષ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય અને કેન્દ્ર સરકાર યુવાનોને સશક્ત કરવા અને નોકરીની તકો પૂરી પાડવા માટે દરેક પગલાં લઈ રહી છે અને તેના પરિણામ સ્વરૂપે નોકરીની ઈચ્છા ધરાવતા લોકો ને કેમ્પસ ઇન્ટરવ્યુ અને જોબ ફેર માં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને તેમને તરત જ નોકરી આપવામાં આવશે.

VIA સેક્રેટરી કલ્પેશ વોરાએ જણાવ્યું હતું કે નોકરી ઈચ્છુકો હવે આઈટીઆઈ, ઈન્ટર્નશીપ અને એપ્રેન્ટીસશીપના વિવિધ અભ્યાસક્રમો દ્વારા પ્રાયોગિક અનુભવો મેળવી રહ્યા છે, જે ઉદ્યોગોને યોગ્ય રીતે લાયક વર્કફોર્સ મેળવવામાં મદદ કરશે. તેમણે હાજર રહેલા તમામ નોકરી ઇચ્છુકોને રોજગાર મેળવ્યા પછી પણ તેમના કૌશલ્યમાં સુધારો કરતા રહેવા અનુરોધ કર્યો હતો.

આ રોજગાર ભરતી મેળામાં વિમલભાઈ ટંડેલ, આચાર્ય, ITI પારડી, મિતેશભાઈ દેસાઈ, અધ્યક્ષ, કારોબારી સમિતિ, વાપી નગરપાલિકા, મેહુલભાઈ પટેલ, પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી-વલસાડ જિલ્લા તથા જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના 10 ટોચના જોબ પ્રોવાઈડર ઉદ્યોગોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રોજગાર મેળામાં મોટી સંખ્યામાં રોજગાર મેળવવા માંગતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *