વાપીમાં બુધવારે 27મી ડિસેમ્બરે વલસાડ જિલ્લા સહિત 6 સરહદી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ફરન્સ નું આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત 75થી વધુ પોલીસ અધિકારીઓ સાથે વલસાડ જિલ્લાના SP ડૉ. કરણરાજ વાઘેલાએ કાયદો વ્યવસ્થા અંગે સંકલન સાધવા ચર્ચા કરી હતી. જેના ભાગ રૂપે 28મી ડિસેમ્બરે સરહદી રાજ્યના જિલ્લાઓની અને સંઘપ્રદેશ ની પોલીસ સાથે વલસાડ પોલીસે વલસાડના કોસ્ટલ વિસ્તારમાં આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પણ સઘન ચેકીંગ કર્યું હતું. તેમજ માછીમારોને દરિયાઈ ગતિવિધિ અંગે જાણકારી આપવા સૂચના આપી હતી.
બુધવારે તા.27/12/2023ના વાપી ખાતે પાલઘર, નાસીક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ-06 જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સીનીયર અધિકારીઓ વચ્ચે કોન્ફરન્સ યોજાય હતી. જે કોન્ફરન્સમાં રાજયોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો એકબીજા સાથે સહકારથી કામગીરી કરે તથા સંયુકત નાકાબંધી, સંયુકત કોમ્બીંગ ઓપરેશન, સંયુકત કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટ ચેક કરવાની કામગીરી તેમજ ગૌ તસ્કરી, દારૂની ગેરકાયદેસર હેરાફેરી, ગુટખા ની ગેરકાયદેસર હેરાફેરી, ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરી વગેરે ગેરકાયદેસર પ્રવૃતીઓને અટકાવવા માટે સંયુકત ઓપરેશન હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું હતું.
આ બોર્ડર પોલીસ કોન્ફરન્સમાં થયેલ ચર્ચા અનુસંધાને વલસાડ SOG, પારડી પોલીસ સ્ટેશન, મરીન ઉમરગામ પોલીસ સ્ટેશન, ઉમરગામ પોલીસ સ્ટેશન, નાની દમણ પોલીસ સ્ટેશન, મોટી દમણ પોલીસ સ્ટેશન, ઘોલવડ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારીઓ ધ્વારા કોસ્ટલ લેન્ડીંગ પોઈન્ટો (1) ઉમરસાડી જેટી (2) નાની ઉમરસાડી (3) કોલક (4) નારગોલ (5) તડગામ (6) ફણસા (7) કાલય (8) દાંડી (મરોલી) (9) મરોલી (10) ઉમરગામ જેટી (11) ખતલવાડા (12) કડૈયા માછીવાડ નાની દમણ (13) મોટી દમણ કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટ (14) ઝાય કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટ મળી કુલ-14 કોસ્ટલ લેન્ડીંગ પોઇન્ટોનુ સંયુકત રીતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને લેન્ડીંગ પોઇન્ટોની આસપાસના વિસ્તારમાં રહેતા માછીમારોને દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃતિ જણાઇ આવેથી તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન કે પોલીસ કંટ્રોલરૂમ નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે, દેશના પ્રધાનમંત્રી દ્વારા ભારતના વિવિધ રાજયના DGPઓની યોજવામાં આવેલ કોન્ફરન્સમાં પડોશી રાજયના બોર્ડરના પોલીસ સ્ટેશન ધ્વારા સંયુકત અભ્યાસ કરી કામગીરી કરવાનુ સુચન કરવામાં આવેલ હતુ. જે અનુસંધાને ગુજરાત રાજયના DGP વિકાસ સહાય તથા સુરત રેન્જના IGP વાબાંગ ઝમીરની સુચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની અધ્યક્ષતામાં પડોશી રાજયોની પોલીસ સાથે સંયુકત કામગીરી અંગેના અભ્યાસ માટે બોર્ડર કોન્ફરન્સ યોજી હતી. જેના બીજા દિવસે વલસાડ જિલ્લાના દરિયા કાંઠે આવેલ 14 જેટલા લેન્ડિંગ પોઇન્ટ પર ચેકીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.