Thursday, December 5News That Matters

નાની દમણ ખાતે સ્વર્ગીય પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે 3જી જાન્યુઆરીથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન, કથાકાર પ્રફુલ શુક્લ કથાનું રસપાન કરાવશે

નાની દમણમાં આવેલ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન ખાતે આગામી 3જી જાન્યુઆરી 2024થી કથાકાર પ્રફુલ ભાઈ શુક્લ શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવશે. આ કથા દમણ-દિવના પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલના પરિવાર દ્વારા આયોજિત છે. કથા મુખ્ય યજમાન જીગ્નેશ પટેલ ઉપરાંત શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ ચંચળ બેન ડાહ્યાભાઈ પટેલ દ્વારા આયોજિત છે. જેમાં કથાના તમામ દિવસે વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. 9મી જાન્યુઆરીએ કથા વિરામ લેશે. કથામાં દમણ ઉપરાંત દિવ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરશે.

દિવ દમણના માજી સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલ ના સ્મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે કથાકાર પ્રફુલ શુક્લ દ્વારા શ્રીમદ ભાગવત કથા, સનાતન ધર્મ, દેશ વિદેશમાં થતી તેમની કથાઓ અંગે અને શ્રી રામ જન્મોત્સવ એવા અયોધ્યામાં ઉદઘાટિત થનારા રામ મંદિર અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

કથાકાર પ્રફુલ શુક્લએ જણાવ્યું હતું કે દમણમાં ત્રીજી જાન્યુઆરીથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સૌપ્રથમ અલગ અલગ 21 સ્થળોએથી પોથી યાત્રા નીકળશે. જે ગોત્રેજ માતા મંદિર ભેંસરોડથી સમૂહમાં કથા સ્થાન પર પહોંચશે. કથાનો પ્રથમ દિવસે પોથી યાત્રા મંગલાચરણ સાથે પ્રારંભ થશે જે બાદ નરસિંહ પ્રાગટ્ય કથા, કૃષ્ણ જન્મોત્સવ કથા, ગોવર્ધન પૂજા, રુકમણી વિવાહ સહિતના આયોજન સાથે 9મી જાન્યુઆરીના સમાપન થશે. કથા ના મુખ્ય યજમાન તરીકે જીગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ અને તેમનો પરિવાર ઉપરાંત સમાજના આગેવાનો છે. જેમાં ડાયાભાઈ પટેલ અને સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વર્ગીય ડાયાભાઈ પટેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લના મિત્ર પણ હતા. જેને યાદ કરી તેમના એક પ્રસંગને વાગોળતા જણાવ્યું હતું કે આ તેમની 859 મી ભાગવત કથા છે. આ અવસર તેમના માટે સૌભાગ્ય સમાન છે. તેમજ કથાકાર પ્રફુલભાઈ શુકલએ રામ મંદિર અંગે જણાવ્યું હતું કે 525 વર્ષ પછી નિજ મંદિરમાં ભગવાન રામ પ્રસ્થાપિત થઈ રહ્યા છે. આ પ્રસંગ સમગ્ર વિશ્વ માટે રામના 14 વર્ષના વનવાસ પછીની જે દિવાળી હતી તેના કરતાં પણ મોટી દિવાળી સમાન ઉત્સવ છે. દેશના ઇતિહાસમાં અનેક લોકોએ પહેલા મંદિરને તૂટતા જોયા છે હવે મંદિર બંધાતા જોયા છે.

પોતે 34 દેશમાં કથા કરી છે પણ ભારતની સંસ્કૃતિમાં જ પિતૃઓનું સ્થાન છે અને દેવ તરીકે તેને પ્રસ્થાપિત કર્યા છે. ભાગવત કથામાં રહન-સહન સહિત તમામ પ્રકારનું જ્ઞાન સમાવાયેલું છે. આ ભાગવત કથા માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત રહેવાના હોય સૌનો સહકાર મળી રહ્યો છે.

પ્રફુલભાઈ ઇંગ્લેન્ડમાં 17 વખત કથા કરી ચૂક્યા છે. સાઉથ આફ્રિકામાં 13 વખત યુએસમાં ચાર વખત અને બાકીના દેશોમાં એક એક વખત કથા કરી સનાતન ધર્મને વૈશ્વિક ફલક પર લઈ જઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું. કે સનાતન ધર્મ એ વૈશ્વિક ધર્મ છે કોરોના પછી લોકો એ માનતા થયા છે પીપળાની પૂજા નું અને ઓક્સિજનનું મહત્વ સમજતા થયા છે. તેઓ નાસામાં પણ ચાર વખત ગયા છે ત્યાંના વૈજ્ઞાનિકો પાસેથી પણ સાંભળ્યું છે કે સનાતન ધર્મ એ જે આપ્યું છે તે અન્ય કોઈ ધર્મએ આપ્યું નથી.

આવનારા રામ મંદિરના પ્રસંગને ધ્યાને રાખી તેમણે જણાવ્યું હતું કે 1992માં નવસારીમાં 10,000 જેટલા બજરંગ દળના કાર્યકરોનો ત્રિશૂળ દીક્ષા નો કાર્યક્રમ હતો. તે વખતે તેઓ દક્ષિણ ગુજરાતના પ્રખંડ પ્રમુખ હતા. આ કાર્યક્રમ મોદીની અધ્યક્ષતામાં થયો હતો તે વખતે મોદીજીએ સંકલ્પ સાથે નારો આપ્યો હતો કે, સોગંદ રામ કી ખાતે હૈ મંદિર વહી બનાયેંગે એ સંકલ્પ હવે ચરિતાર્થ થઈ રહ્યો છે. આ દેશમાં 1947 ની આઝાદી પછી જે પણ સરકાર આવી તેણે દેશવાસીઓને ઊંધો ઇતિહાસ શીખવ્યો હતો. હવે સીધો ઇતિહાસ ભારતના લોકોને જાણવા મળી રહ્યો છે. જે માટે તેમણે મોદી સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

ભાગવત કથા અંગે અંતમાં તેમણે જણાવ્યું હતું કે કથા જીવનની વ્યથા ને દુર કરવાનું સાધન છે. કથા જીવનને દિશા અને માર્ગ આપે છે જે કથા અહીં સર્જાઇ રહી છે. આ કથામાં દમણ દિલ અને ગુજરાતના લોકો ઉપસ્થિત રહે કથા દરમિયાન તેનું રસપાન કરે તેવી અપીલ પણ કરી હતી. કથા સ્થળની હાલ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એ પ્રસંગે જીગ્નેશ પટેલ સહિત કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *