વાપી ટાઉન વિસ્તારમાં GEB ની DP એક બાળક માટે ઘાતક બની છે. ઘટના વાપી ટાઉનના અલકાપુરી વિસ્તારમાં આવેલ જૈન બિલ્ડિંગની DP ની છે. હાલ ઇલેક્ટ્રિક શોકનો ભોગ બનેલા 10 વર્ષીય બાળક જનસેવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉનમાં આવેલ અલકાપુરી વિસ્તારમાં આશુતોષ એપાર્ટમેન્ટ સામે જૈન બિલ્ડિંગની DP માં એક પતંગ ફસાઈ ગઈ હતી. આ પતંગ-દોરીને અહીં જ રહેતો 10 વર્ષીય રિધમ પરિહાર નામનો બાળક કાઢવા ગયો હતો. જે દરમ્યાન તેમને ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હતો.
ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જેઓએ બાળકને જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. બાળકને પગ અને મોઢાના ભાગે ઇલેક્ટ્રિક શૉક ના કારણે ગંભીર ઇજાઓ થઈ છે. જેની સારવાર માટે ICU માં દાખલ કરાયો છે. હાલ બાળકની સ્થિતિ સ્ટેબલ છે. પરંતુ ઇલેક્ટ્રિક શૉક ના કારણે પ્લાસ્ટિક સર્જરી સહિતની સારવાર કરવી પડે તેમ હોય એ અંગે તબીબોએ તૈયારીઓ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વાપીના અનેક વિસ્તારોમાં GEB દ્વારા DP આસપાસ ફેન્સિંગ કે આડશ ઉભી કરી ના હોય આવી ઘટનાઓ બનતી અટકાવવા પ્રયાસ કરવો જરૂરી છે. તો, પતંગનો તહેવાર એવા ઉત્તરાયણ આવે તે પહેલાં જ બનેલી આ ઘટનાએ શહેરીજનો અને સરકારી તંત્રને સતર્ક રહેવાની ફરજ પાડી છે. દર વર્ષની જેમ અત્યારથી જ પતંગની ચાઈનીઝ દોરી પરની પાબંધી અંગે તેમજ પતંગ ઉડાવતી વખતે સાવચેતી રાખવા બાબતે લોક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે.