ગુરુવારે વાપીના ડુંગરા સ્થિત ડુંગરા પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ માર્ગદર્શિત BRC વાપી આયોજિત તાલુકા (BRC) કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ આધારિત હતું. જેમાં 64 શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ કૃતિઓ પૈકીની 35 કૃતિઓને પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.
ડુંગરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે BRC કૉ-ઓર્ડીનેટર અશ્વિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં CRC કક્ષાએથી વિજેતા બનેલ કુલ 35 કૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે. આ તાલુકા કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત 5 વિભાગમાં બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી હતી.
જે મુખ્ય પાંચ વિભાગો છે તેમાં ખોરાક અને સ્વાસ્થ્ય-સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યાયન, કુદરતી ખેતી, ગણિતિક નમુના, આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપન તેમજ સંશોધનનું વ્યવસ્થાપન. આ વિભાગમાંથી બે-બે કૃતિઓ પસંદ કરી કુલ 10 કૃતિઓને આગળના જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં મોકલવામાં આવશે.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં ટ્રાન્સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ પરની અદભુત કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ પ્રદર્શિત કરી હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મિતેષ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે શાળાના કાયમી દાતા એવા દિપક પટેલ અને તેમની ટીમ દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ, પાલિકા કારોબારી ચેરમેન મનોજ પટેલ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓનું શાળાના આચાર્ય નીલમબેન ગોહિલ દ્વારા તેમજ શાળાના શિક્ષકો, આ વિસ્તારના કોર્પોરેટર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.