વલસાડ જિલ્લામાં વાપી પ્રથમવાર 1000 થી વધુ બેઠકનું AC ઓડિટોરીયમ વાપી VIA દ્વારા બનાવવામાં આવશે. અંદાજે રૂ. 13 થી 15 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ આ ઓડિટોરિયમનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, મેરિલ ગૃપના નાનુભાઈ બાંભરોલીયા સહિત VIA સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, જ્યારે જ્યારે કોઈપણ પ્રોજેક્ટ લેવાની વાત આવી છે. ત્યારે VIA ની આખી ટીમે આગેવાની લઈ ટીમ વર્કથી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. જે બદલ અભિનંદન આપુ છુ. ખાસ કરીને એ. કે. શાહ, મનુભાઈ અને રજનીશભાઈ જેવા વડીલોએ દરેક કામમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં ગર્વ અનુભવાય તેવો ફિક્કીનો એવોર્ડ વાપીને મળ્યો છે. ફેકટરી અને પોલ્યુશનના નિયમો પાળીને ઉદ્યોગકારો પ્રગતિ કરી રહ્યા છે જે મોટી વાત છે.
તો, ડીપ સી પાઈપલાઈન રૂ. 200 કરોડના ખર્ચે નાંખવાની હતી જેમાં હવે માત્ર 20 ટકા જ આપવાના રહેશે. વાપીમાં વર્ષ 1975 થી ચોમાસામાં અંબા માતા મંદિર, જૈન મંદિર અને જ્ઞાનધામ સ્કૂલ પાસે બે ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ રહેતુ હતું. આ વર્ષે અભૂતપૂર્વ વરસાદ પડ્યો પણ બિલખાડીમાં પાણી ન આવતા પાણીનો ભરાવો થયો નથી. હવે GIDC માં વાપીનું પાણી પણ ન આવે તે માટે VIA ચાર રસ્તાથી બિલખાડી સુધીની ડ્રેનજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે જેનાથી પણ ઘણો ફાયદો થશે.
વધુમાં તેમણે વાપીમાં થઈ રહેલા વિકાસ કાર્યો બાબતે કહ્યું કે, હાલ ચોખ્ખુ પાણી નદીમાં વહી જતુ હતું એટલે નામધા પાસે વીયર બનાવવાનું કામ રૂ. 102 કરોડના ખર્ચે મંજૂર થયું છે. આ સિવાય સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ પારડીના ઉમરસાડી ખાતે ફલોટીંગ જેટ્ટી બનાવાઈ રહી છે. પારડીમાં સાયન્સ કોલેજ બની રહી છે. બલીઠાનો બ્રિજ બે માસમાં ચાલુ થઈ જશે. જે ટાઈપનો બ્રિજ માર્ચના અંત સુધીમાં ચાલુ થશે એ રીતે વિકાસ કાર્યો પૂરજોશમાં હાથ ધરાઈ રહ્યા છે. વિકાસ કાર્યો વેળા લોકોએ જે ધીરજ રાખી છે તે બદલ સૌનો આભાર માનુ છું.
આરોગ્ય ક્ષેત્રનો ઉલ્લેખ કરી મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, વાપી તાલુકા પંચાયતની બાજુમાં હાઈવેને અડીને 120 બેડની મલ્ટી હોસ્પિટલ બની રહી છે. લગભગ બે માળનું કામ પૂર્ણ થયુ છે. માર્ચ સુધીમાં બાકી કામ પણ પૂર્ણ થશે. વાપીમાં આગ લાગે, અકસ્માત થાય કે ધરતીકંપ આવે તો તેવા આકસ્મિક સમયની સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર રૂ. 50 કરોડના ખર્ચે વાપી જીઆઈડીસીમાં સ્ટેટ બેંકની સામે બનવા જઈ રહ્યુ છે. સૌ સાથે મળીને વિકાસના કાર્યો કરી રહ્યા છે જે બદલ આભાર માનુ છું.
વાપી VIA ના માજી પ્રમુખ યોગેશભાઈ કાબરીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં મેરીલ ગૃપ સાથે ચર્ચા કરી સર્વાનુમતે આ નવા ઓડિટોરીયમનું નામ ‘કનુભાઈ દેસાઈ VIA ઓડિટોરીયમ’ આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ વાપી મેરિલ ગૃપ દ્વારા પાર પાડવામાં આવશે. આ ઓડિટોરીયમ વાપીનું ઘરેણુ સમાન ગણાશે. આધુનિક સુવિધાસભર આ ઓડિટોરીયમ નાટક અને સાંસ્કૃતિક સહિતની વિવિધ પ્રવૃતિઓ માટે ઉપયોગી બનશે.
આ પ્રસંગે VIA ના પ્રમુખ સતિષભાઈ પટેલે સૌને આવકારી જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં આઈકોનિક ઓડિટોરીયમ વાપીમાં બનશે. આ ઓડિટોરીયમનું નિર્માણ કાર્ય એક વર્ષમાં દેસાઈ કન્સ્ટ્રકશન દ્વારા પૂર્ણ કરાશે. આ ઓડિટોરીયમ બનાવી આપવા બદલ તેમણે મેરિલ ગૃપના MD અંજુમભાઈ બિલખીયા અને મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો. ઓડિટોરીયમની રૂપરેખા વીઆઈએના સેક્રેટરી કલ્પેશભાઈ વોરાએ આપી હતી.
ખાતમુહૂર્ત વિધિ બાદ મંત્રી કનુભાઈ દેસાઈ અને VIA ના હોદ્દેદારોએ VIA ના કોન્ફરન્સ હોલમાં નવા બનનારા ઓડિટોરીયમની વિસ્તૃત વિગત પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી. આ સમયે મંત્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ પ્રસંગે વાપી પાલિકાના પ્રમુખ પંકજ પટેલ, વાપી નોટીફાઈડના સંગઠનના પ્રમુખ હેમંત પટેલ, મેરિલ ગૃપના નાનુભાઈ બાંભરોલીયા, કલ્પેશભાઈ બાંભરોલીયા, દેસાઈ કન્સ્ટ્રકશનના અપૂર્વ દેસાઈ, વીઆઈએના માજી પ્રમુખ અમૃતભાઈ શાહ ઉર્ફે મામા, વીઆઈએ એડવાઈઝરીના બોર્ડના મેમ્બર મિલનભાઈ દેસાઈ, એલ. એન. ગર્ગ અને ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ શાહ, વિક્રમભાઈ અને મેહુલભાઈ સહિતના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.