Friday, January 31News That Matters

વલવાડા-કરમબેલે ગામના તળાવની 1 લાખ ટન માટી ચોરી તળાવને ખાણ બનાવી દીધી, ખાણ ખનિજ વિભાગ ધુતરાષ્ટ્રની ભૂમિકામાં, અધિકારીઓએ લાખોનું સેટિંગ કર્યું હોવાના આક્ષેપ…!

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ વલવડા અને કરમબેલે ગામમાં માટી ચોરોએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓના ગજવા ભરી તળાવ ની 1 લાખ ટન માટી બારોબાર વેચી દીધી હોવાના આક્ષેપ ગામલોકોએ કર્યા છે. ગામલોકોના આક્ષેપ છે કે, તળાવને ઊંડું કરી 10 હજાર ટન માટી કાઢવાની મંજૂરી મેળવ્યા બાદ ભૂમાફિયાઓએ 1 લાખ ટન માટી કાઢી તેને આસપાસના બિલ્ડરોને અને અન્યને વેચી દીધી છે. આ અંગે ખાણ ખનિજમાં પણ રજુઆત કરી છે. પરંતુ અધિકારીઓએ જ આ પ્રકરણમાં લાખો રૂપિયા લઈ સમગ્ર કૌભાંડ પર પડદો પાડી દીધો છે.

ઉમરગામ તાલુકાના વલવાડા ગામે 2 ખૂબ જ સુંદર તળાવ આવ્યા છે. આ તળાવનું ડેવલોપમેન્ટ કરી તેમાં વધુ પાણીનો સંગ્રહ થાય એ આશયે જે તે એજન્સીને તળાવ ઊંડું કરવાની મંજૂરી આપી હતી. જો કે, આ બે તળાવ પૈકી કરમબેલે તળાવ જે એજન્સીએ ઊંડું કરવા લીધું હતું તે એજન્સીના ઠેકેદારો નામચીન ભૂમાફિયા હોય 10 હજાર ટન માટી કાઢવાની મંજૂરી મેળવી અંદાજિત 1 લાખ ટન ગેરકાયદેસર માટી કાઢી તેને બારોબાર બિલ્ડરોને વેચી દીધી છે.

કરોડોની માટી કાઢી બારોબાર વેચી દેવા મામલે ગામલોકોએ ખાણ ખનિજ વિભાગને રજુઆત કરી હતી. જો કે, માથાભારે ભૂમાફિયાઓએ એક સુંદર તળાવને ખાણ બનાવી દીધી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામલોકોનો આક્ષેપ છે કે, અદ્યતન મશીનરીથી માટી ખોદી હાઈવા, ડમ્પર જેવા વાહનોમાં ભરી માટી ચોરો અન્ય સ્થળે સ્ટોક કરી બાદમાં તેને બિલ્ડરોને વેચી રહ્યા છે. જે અંગે રજુઆત કરી તો માટીચોરોએ અધિકારીઓ ને લાખો રૂપિયા આપી મામલો રફેદફે કરી નાખ્યો છે.

ગામલોકોએ આક્ષેપ કર્યા છે. કે, આ તળાવને વધુ પડતું ઊંડું કરી દેવાથી આસપાસના ભૂગર્ભ જળ જે ગામના અને વાડીઓના કુવા-બોરમાં આવતા હતા તે હવે ફંટાઈને તળાવમાં આવી રહ્યું છે. જેથી તળાવ પાણીથી ભરાઈ રહ્યું છે. પરંતુ ગામના ખેડૂતોની વાડીઓના કુવા-બોર સુકાઈ રહ્યા છે. એ ઉપરાંત તળાવ નજીક જ અન્ય ખેડૂતોની વાડી છે. જેની માટી ધસી પડવાની દહેશત ઉભી થઇ છે.

ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે, તળાવની લાખો ટન માટી ગેરકાયદેસર રીતે કાઢી કરોડોની કમાણી કરી રહેલા આ ભુમાફિયાઓ અનેક ગુન્હામાં સંડોવણી ધરાવે છે. એટલે ગામલોકો તેમનાથી ડરી રહ્યા હોય વિરોધ કરી શકવાની ક્ષમતામાં નથી.

એ ઉપરાંત આ વિસ્તારમાં અન્ય એક માથાભારે બિલ્ડરે પણ યેનકેન પ્રકારે વહીવટદાર અને ગામના અન્ય લોકો સાથે મળી 12 ફૂટના રસ્તાને 40 ફૂટનો રસ્તો બનાવવા તળાવમાં પુરાણ કર્યું છે. અનેક ઝાડ કાપી નાખ્યા છે. જેને લઈને પણ કલેકટર, મામલતદાર, TDO ને રજુઆત કરી છે. પરંતુ બિલ્ડર અને ભુમાફિયાઓએ પૈસાની વગ વાપરી ગામલોકોની રજૂઆતો ને દબાવી દીધી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ પ્રકરણમાં ખાણ ખનિજ વિભાગ, કલેકટર અને અન્ય વિભાગના અધિકારીઓ કેવી કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *