Saturday, July 27News That Matters

વાપીમાં શિવસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ ની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાનો પદનિયુક્તિ કાર્યક્રમ યોજાયો

રવિવારે વાપીમાં શિવસેના કાર્યાલય ખાતે જિલ્લાના વિવિધ પદ માટે પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ પહેલા સર્કિટ હાઉસથી શિવસેના કાર્યાલય સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કાર્યાલય ખાતે દીપ પ્રાગટય કરી વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા પદ નિયુક્તિ માટેના નામોની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વાપી શહેર પ્રમુખ, વલસાડ જિલ્લા ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા.
આ પદ નિયુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિવસેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સતીશ પાટિલે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા સંગઠનને મજબૂત બનાવી આગળ ધપવાના ઉદેશ્ય સાથે વલસાડ જિલ્લા પ્રભારી અને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ પદ નિયુક્તિનો કાર્યક્રમ યોજાયો છે. શિવસેના ને ગુજરાતમાં મજબૂત કરવા વિશેષ આયોજન હાથ ધરાયું છે. બાલા સાહેબના વિચારો અને એકનાથ શિંદેના માર્ગદર્શનમાં શિવસેના કાર્યકર્તાઓ આ પ્રદેશમાં સામાજિક કાર્ય કરી રહ્યા છે.

જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે શિવસેના હંમેશા કામ કરે છે આવનારા સમયમાં સામાજિક કાર્ય માટે રાજકારણમાં પણ ઉતરવું પડશે તો પણ કરશે. સમાજના દરેક વર્ગને ન્યાય અપાવવા સતત પ્રયાસ કરવામાં આવે છે. શિવસેના હિંદુત્વની રાજનીતિ કરે છે અને તે રાજનીતિ હેઠળ સામાજિક કાર્ય કરી લોકોનો વિશ્વાસ જીતશે.
ઉલ્લેખનીય છે કે, આજના કાર્યક્રમમાં આગામી સમય માટે અલગ અલગ પદ પર નિયુક્ત કરવામાં આવેલ કાર્યકરોના નામની ઘોષણા કરી અભિનંદન પાઠવ્યા હતા.
જેમાં રાજુ માને વાપી શહેર પ્રમુખ, શેરખાન શેખ વલસાડ જિલ્લા ઉપપ્રમુખ, શ્રીમતી જ્યોતિ દુબે વલસાડ જિલ્લા મહિલા ઉપપ્રમુખ, શ્રીમતી સંજના રાજેશ ગોસ્વામી વલસાડ જિલ્લા મહિલા સંગઠન, લક્ષ્મણ હરિરામ માને વલસાડ જિલ્લા કાર્યાલય પ્રમુખ, પવન ચૌધરી વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ, જાદવ ધ્યાનું વલસાડ જિલ્લા ઉપપ્રમુખ સહિત વલસાડ જિલ્લા શહેર, ગ્રામ્ય, તાલુકા માટેના પ્રભારી, પ્રમુખ, ઉપપ્રમુખ અને સચિવના હોદ્દા માટે કુલ 18 નામોની જાહેરાત કરી તમામને ઉપસ્થિત હોદ્દેદારોએ, કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, શિવસેના સુરત પ્રમુખ વાઘમરે, વૈભવ, ભરૂચ પ્રમુખ મંગલસિંહ, દક્ષિણ ગુજરાત પ્રમુખ જગરૂપ પાલ, વલસાડ જિલ્લા પ્રભારી સોનવાને દાદા સહિતના પદાધિકારીઓ ની ઉપસ્થિતિ રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *