વાપી ટાઉન વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં શનિવારે શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. બાગબાન થીમ સાથે ઉજવાયેલ આ એન્યુઅલ ડે માં શાળામાં અભ્યાસ કરતા નર્સરી થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. એન્યુઅલ ડે માં ગણમાન્ય અતિથિઓ ઉપરાંત 1000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
એન્યુઅલ ડે સેલિબ્રેશન માં સૌ પ્રથમ બાળકોએ સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું. જે બાદ મુખ્ય મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં સંસ્કાર ભારતી હાઇસ્કુલના પ્રિન્સિપાલ રાહુલ શ્રીવાસ્તવએ શાળાનો એન્યુઅલ રીપોર્ટ રજૂ કર્યો હતો. શાળામાં બાળકોને અભ્યાસ સાથે સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટીમાં કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેની રૂપરેખા રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દરેક પરીક્ષામાં શાળાનું નામ સતત રોશન કરી રહ્યા હોય એ માટે શાળાના શિક્ષકોની પ્રવૃતિઓની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતાં. વિદ્યાર્થીઓના વાલીઓને શાળા પર વિશ્વાસ મુકવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
તો, આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી રાજશ્રી ટંડેલ, રેખા શ્રીવાસ્તવ, અસ્પી દમણિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ ના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. ચેરમેન આશા શ્રીવાસ્તવન, ટ્રસ્ટી અજય લલ્લન શ્રીવાસ્તવ, અજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવોએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
DEO રાજશ્રી ટંડેલે આ સરસ આયોજન બદલ શાળાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે બાળકનો સર્વાંગી વિકાસ થાય બાળકોમાં રહેલી અભ્યાસ સિવાયની પ્રતિભાને ખીલવવા સતત પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. શાળા એ ફક્ત શિક્ષણ આપવાનું જ કામ નથી કરતી પણ મૂલ્ય શિક્ષણ અને સંસ્કાર આપવાનું પણ કામ કરે છે. દરેક બાળકમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. અહીં પસંદ કરેલા બાગબાન થીમની પણ સરાહના કરી હતી. આવી થિમથી બાળકો માતાપિતાનો આદર કરતા શીખે છે તેવું જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, વાપી ટાઉન વિસ્તારમાં 11 વર્ષથી ચાલતી આ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં અંદાજીત 1100 જેટલા બાળકો અભ્યાસ કરે છે. એન્યુઅલ ડે માં આ તમામ બાળકોએ વિવિધ નૃત્ય, નાટકો રજૂ કર્યા હતાં. અને નારીશક્તિ, વર્તમાન સમસ્યાઓ, સહિત વિવિધ પ્રસંગોને વર્ણવ્યા હતાં.