અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશ સાથે વાપીમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શોભાયાત્રા, મહાપ્રસાદ બાદ સાંજે મંદિરોમાં 25000 દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભગવાન રામનું આગમન સારું શુકન લઈને આવ્યું છે. આ ધન્યઘડીને આગામી 5 વર્ષ સુધી દેશના સુવર્ણ યુગ તરીકે ઉજવીશું
22મી જાન્યુઆરી 2024ના શુભ દિને અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશ સાથે વાપીમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કલશયાત્રા, શોભાયાત્રા, મહાપ્રસાદ બાદ સાંજે મંદિરોમાં 25000 દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી. અનેકવિધ કાર્યક્રમો સાથે સમગ્ર શહેર કેસરિયા રંગે રંગાયું હતું. સવારે વાપીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી. તો, અન્ય કેટલાક વિસ્તારમાં ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન ના વેશભૂષામાં બાળકોને સજ્જ કરી DJ ના તાલે નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
આ મહાઉત્સવ નિમિતે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ અંબામાતા મંદિર ખાતે ભગવાન રામની પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતાં. સાંજે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા 25000 દીવડા પ્રગટાવી દીપોત્સવ ઉજવામાં આવ્યો હતો. 25000 પ્રજ્વલિત દીપ ને નિહાળવા મોટી સંખ્યામાં રામભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીરામના દર્શન કરી જય શ્રી રામનો જયઘોષ બોલાવ્યો હતો. આ પ્રસંગે વાપીના અનેક જાણીતા ઉદ્યોગપતિઓએ પણ અંબામાતા મંદિરની મુલાકત લઈ શ્રી રામના દર્શન કર્યા હતાં.
વાપીના અંબા માતા મંદિરે ભગવાન રામની પૂજા અર્ચના, રંગોળી, દીપોત્સવ, ભજન સહિતના આયોજન કરવામાં આવ્યા હતાં. ત્યારે, આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગમાં સહભાગી થવા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ વાપીમાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો માં ઉપસ્થિત થઈ રહ્યા છે. જે અનુસંધાને અંબા માતા મંદિરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી નમન કર્યા હતાં.
વાપીના અંબા માતા મંદિરે ભગવાન શ્રીરામ સમક્ષ માથું ટેકવી નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત વર્ષ અને સમગ્ર વિશ્વમાં અયોધ્યાની સાથે રામ ઉત્સવ ની ઉજવણી થઈ રહી છે. અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સમગ્ર દેશના રાજ્ય, જિલ્લા, ગામડે ગામડે અને ફળીએ ફળીએ શ્રીરામ ઉત્સવના કાર્યક્રમમાં યોજવામાં આવ્યા છે. લોકોએ દીવા પ્રગટાવી દીપોત્સવની સાથે રંગોળી પુરી શોભા યાત્રા કાઢીને ભગવાન શ્રીરામના આગમનને વધાવ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહક જોવા મળ્યો છે. લોકોએ તમામ મતભેદ ભૂલી આ અમૂલ્ય ઘડીમાં ઘડીને ઉત્સાહભેર ઉજવી છે. જે ભારત વર્ષ માટે સારા શુકન છે. આવનારા પાંચ વર્ષ સુધી આ ધન્ય ઘડીને સુવર્ણ યુગ તરીકે ઉજવીશું. ભારતને વિકાસના પંથે લઈ જશું.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં આખું ગામ ઉત્સાહભેર જોડાયું હતું. બાળકો, મહિલાઓ, વડીલો, યુવાનો સહભાગી થયા હતા. આ ઉત્સવને મહોત્સવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો હિન્દુ સંસ્કૃતિથી, રામ, સીતા, લક્ષ્મણ ના ચરિત્રથી વાકેફ થાય, સાંસ્કૃતિક વારસાથી માહિતગાર થાય તે માટે તેઓને પણ સામેલ કરી તેમને રામ, સીતા, ભરત, લક્ષ્મણ, હનુમાનજી, શબરી ના વેશભૂષા માં સજ્જ કર્યા હતા. શણગારેલા રથમાં બેસાડી સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી.