ઉમરગામ GIDC આસપાસ આવેલા ગામોની જમીનો પર હાલ માં જે રીતે ઔદ્યોગિક અને રેસિડેન્સીયલ ડેવલોપમેન્ટ વધ્યું છે. તે જોતા વલસાડ જીલ્લા વન વિભાગનાં અધિકારીઓ પોતાની જંગલ જમીનનાં ક્ષેત્રફળનો તાળો મેળવી લેવાની તાતી જરૂરત વર્તાઈ રહી છે. જો આમાં ઢીલ કરી તો, જમીન ચોરો વન વિભાગ ની જમીન પચાવી પાડશે તેમાં નવાઈ નથી.ઉમરગામ GIDC તથાં તેની આસપાસના કેટલાક ગામોમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, એસ્ટેટ તથાં સ્વતંત્ર ઔધોગિક એકમોનો રાફડો ફાટયો છે. જીઆઈડીસી વિસ્તારને લાગું આવેલી, આવી ઈન્ડસ્ટ્રીલ એક્ટીવિટી વાળા એકમો મફતમાં, બેરોકટોક જીઆઇડીસીનાં ઈન્ફ્રાસ્ટ્રકચરોનો ઉપયોગ કરી રહ્યાં છે. જોકે આ સમગ્ર કાંડ જીઆઈડીસી/ નોટીફાઈડનાં ભ્રષ્ટ અધિકારીઓનાં લીધે શક્ય હોવાનું જણાય આવે છે.
તો, ઉમરગામ જીઆઇડીસી વિસ્તારનાં લાગું દહેરી, દહાડ, સોળસુંબા, પળગામ, ટીંભી વિગેરે જેવાં કેટલાંક ગામોમાં ઈન્ડસ્ટ્રીલ પાર્ક, એસ્ટેટ અને સ્વતંત્ર ઔધોગિક એકમો બનતાં જમીનનાં ભાવો આસમાને પહોંચી ગયાં છે. જે રીતે, બિલ્ડીંગોમાં ફ્લેટ ખરીદતી વખતે, હિલ વ્યૂ, લેક વ્યૂ, સી ફેસ વ્યૂ વિગેરેનાં ભાવો ઉંચાં હોય છે, તે જ પ્રમાણે, ઉમરગામ જીઆઇડીસી વિસ્તાર લાગુંની જમીનોનાં ભાવો પણ ઉંચા હોય છે.
દહેરી અને સોળસુંબા ગામની જમીનો આમાં મોખરે હોવાનું જાણવાં મળ્યું છે. કેટલાંક જમીન ચોરટાઓ જમીન ખરીદવા કે અતિક્રમણ કરવાં ઉમરગામ તાલુકામાં આવેલી ગૌચરની જમીન, સરકારી જમીન, 73એએની જમીન કે પછી, જંગલ હસ્તકની જમીનોને પણ છોડી ન હોવાની બુમરાણ મચી હતી.
ઉમરગામ અને સોળસુંબા ફોરેસ્ટ બીટમાં આવેલી જંગલ જમીનનાં ક્ષેત્રફળ મેળની ચોકસાઈ બાબતે વલસાડ જીલ્લા વન વિભાગનાં અધિકારીઓએ ઘટતું કરવું જોઈએ. જેથી કોઈ જમીન ચોર ઈન્ડસ્ટ્રીલ પાર્ક, એસ્ટેટ કે પછી સ્વતંત્ર ઔધોગિક એકમોનું જંગલની જમીનમાં અતિક્રમણ કરાવી, આ જમીન વેચી મારી હોય તો તેની વિગતો મેળવી તેમની સામે કાર્યવાહી કરી શકે.
વન વિભાગનાં સુત્રો પાસેથી જંગલ વિસ્તારની મળતી માહિતી મુજબ, ઉમરગામ બીટમાં અનુક્રમે, ઉમરગામ, દહેરી અને ગોવાડા ગામો આવે છે. જેમાં, ઉમરગામનો અનામત જંગલ વિસ્તાર 18.88 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્તાર 2.18 હેકટર છે. દહેરીનો અનામત જંગલ વિસ્તાર 8.68 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્તાર 8.75 હેકટર છે. ગોવાડાનો અનામત જંગલ વિસ્તાર 57.93 હેકટર છે. રક્ષિત જંગલ વિસ્તાર 1.49 હેકટર છે. એજ પ્રમાણે, સોળસુંબા બીટમાં અનુક્રમે, ભાઠી કરમબેલી, ટીંભી અને પળગામ ગામો આવે છે. જેમાં, ભાઠી કરમબેલીનો રક્ષિત જંગલ વિસ્તાર 26.75 હેકટર છે. પળગામનો રક્ષિત જંગલ વિસ્તાર 15.92 હેકટર છે.
ઉલ્લેખનિય છે કે, વલસાડ વન વિભાગનાં અધિકારીઓએ સદર બીટની જમીનો પર કોઈ અતિક્રમણ થયું તો નથી ને.. ! તેની તકેદારી રાખે, જેમ પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાથે સ્થાનિક લોકોની મદદથી ગુનેગારો ને પકડવામાં અને ક્રાઈમ રેટ ઓછો કરવામાં સફળતા મેળવે છે. તેમ વનવિભાગ ના અધિકારીઓ પણ આગામી દિવસોમાં કોઈ અતિક્રમણ કરવાનું છે કે કેમ તેની જાણકારી સ્થાનિક લોકો પાસેથી મેળવતા રહે તે હિતાવહ છે.