Sunday, December 22News That Matters

સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સફાઈ કરવા પર પ્રતિબંધ હોવા છતાં વાપી નગરપાલિકામાં સફાઈ કામદારોને ઉતાર્યા ગટરમાં…!

 

ગટરમાં ઉતરવાથી થતા સફાઈ કામદારોના મૃત્યુના ચોંકાવનારા આંકડાઓ બાદ ગુજરાતમાં તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગટરની સફાઈ કરવા તેમાં ઉતરવું એ સૌથી ભયાનક કામ પૈકીનું એક છે. પરંતુ આ મામલે વાપી નગરપાલિકામાં સત્તાધીશો અને સફાઈ કોન્ટ્રકટરો જાણે તદ્દન બેદરકાર હોય અને સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સફાઈ કરવા પરના પ્રતિબંધની અવહેલના કરતા હોવાના દ્રષ્યો સામે આવ્યાં છે.વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ગરનાળા નજીકના મુખ્ય માર્ગ પર શુક્રવારે ગટરના મેઈન હોલમાં સફાઈ કર્મચારીઓને ઉતારી સફાઈ કરાવાઈ રહી હતી. નવાઈની વાત એ છે કે આ મુખ્ય માર્ગ પર 2 મેઈન હોલમાં ઉતરેલા સફાઈ કર્મચારીઓ પાસે કે, બહાર રહી કામ કરનાર સફાઈ કર્મચારીઓ પાસે સુરક્ષાને લઈને કોઈ જ સંસાધનો નહોતા. ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સફાઈ કામદારો મારફત ભૂગર્ભ ગટર સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા આવ્યો છે. સફાઈ કામદારોના અપમૃત્યુ-અકસ્માત રોકવા અંગે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-2013 મુજબ રાજયમાં આવેલ તમામ મહાનગરપાલિકા/નગરપાલિકાઓની હદમાં આવેલ તથા સંચાલિત ભૂગર્ભ ગટરોની સફાઈની કામગીરી માટે માણસ(કામદાર) ને ભૂગર્ભ ગટરમાં ઉતરવા/ઉતારવાની સંપૂર્ણપણે મનાઈ ફરમાવવામાં આવે છે. આ પ્રકારે ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને ઉતારવા માટે ફરજ પાડવાને ગેરકાયદેસર કૃત્ય ગણવામાં આવે છે. આ તમામ સંસ્થાઓએ ભૂગર્ભ ગટરની તેમજ ખાળકૂવાની સફાઈની કામગીરી માટે યાંત્રિક સાધનોનો જ ફરજિયાતપણે ઉપયોગ કરવા આદેશ ફરમાવ્યો છે. જેનું ચુસ્તપણે અમલીકરણ થાય તે જોવાની અંગત જવાબદારી સંબંધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી/ચીફ ઓફીસરશ્રીની રહેલી છે.

આ સૂચનાઓનું જયારે પણ ઉલ્લંઘન થાય ત્યારે જવાબદાર તમામ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની સૂચના છે.

આવી સફાઈ દરમ્યાન જેટિંગ મશીન અને ગલી એમ્પ્ટીયર (ડ્રેનેજ લાઈન અને મેનહોલના સ્પેસીફીકેશન મુજબ સળીયા, વાંકિયું, પાટા, જરૂરી પાનાનો સેટ, મોટી ટોર્ચ, ઓક્સિજન માસ્ક સિલિન્ડર, હાઈડ્રોલિક ગ્રેબ બકેટ પેડલ રિક્ષા, 5 એચ.પી. ફાઈટર, કપૂરની ગોટી, સાબુ, લીટમસ પેપર, ગમબુટ, હેન્ડ ગ્લોવ્ઝ, હેલ્મેટ જેવા સાધનો રાખવા જરૂરી છે. પરંતુ વાપી નગરપાલિકામાં સ્વચ્છતાનો મુખ્ય ઘટક સફાઈ કર્મચારી સગવડ અને સાધન વગર ગટરમાં ગૂંગળાઈને મરવા મજબુર હોય એવી પ્રતીતિ આ દ્રષ્યો પરથી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *