વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ, ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા MSME સેક્ટરને મોટી રાહત મળી છે. ગુજરાત ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન/Gujarat Electricity Regulatory Commission(GERC) એ એક ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરી MSME એકમો જે LT વિદ્યુત જોડાણના 100 KWની મર્યાદામાં આવતાં હતા તેમને હવેથી 150 KW સુધીની મંજૂરી આપવામાં આવી છે. જે અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવી GERC, ગુજરાત સરકાર અને ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર પ્રગટ કર્યો હતો. વાપીના VIA હોલ ખાતે આયોજિત આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત VIA પ્રમુખ સતીશ પટેલ, સેક્રેટરી કલ્પેશ વોરા અને લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મેહુલ પટેલે માહિતી આપી હતી કે, વાપી જેવી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો નાની જમીન અથવા શેડ પર કાર્યરત હોય છે. જ્યાં તેમની પાસે અત્યાર સુધી LT માટે 100 કિલોવોટ વીજળી થી વધારે વાપરવાનો અધિકાર ન હતો, તેના કારણે MSME ઉદ્યોગોને પોતાના એકમોમાં વધારાનું પ્રોડક્શન અને એક્ષપાન્સન માટે વધુ વીજળીના લોડની જરૂર પડતી હતી. આ માટે LT ધારકોએ 100 કિલોવોટથી વધારે HT કનેક્શનમાં જવું પડતું અને તેમને નવું ટ્રાન્સફોર્મર લેવું અને તે માટે જગ્યા ફાળવવી જેવું આર્થિક ભારણ આવતું હતું. જેથી Gujarat Electricity Regulatory Commission (GERC) ને LT વિદ્યુત જોડાણ મર્યાદા 100 KW થી વધારી 150 KW કરી આપવા MSME ઉદ્યોગોની તેમજ એસોસિએશનની વર્ષોથી માંગ હતી. જે રજુઆત બાબતે લઘુ ઉદ્યોગ ભારતીએ રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરી હતી. જે રજુઆત ને ધ્યાને લઇ 31/08/2024 ના GERCએ એક ડ્રાફ્ટ નોટિફિકેશન પ્રસિદ્ધ કરી MSME એકમો જે LT વિદ્યુત જોડાણના 100 KW ની મર્યાદામાં આવતાં હતા તેમને હવેથી 150 KW સુધીની મંજૂરી આપવામાં આવી છે. LT કનેક્શનમાં 100 કિલોવોટથી 150 કિલોવોટ સુધીનો વધારો કરવા માટેનું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ MSME ઉદ્યોગોના વિકાસ માટે એક દૂરદર્શી પગલું સાબિત થશે. MSME ઉદ્યોગોની વર્ષોથી માંગ હતી તેને પૂર્ણ કરવા માટેનું જાહેરનામું ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ બહાર પાડવામાં આવ્યું હોય, ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશન અને લધુ ઉદ્યોગ ભારતીએ ઉર્જામંત્રીનો, GERC નો અને ગુજરાત સરકારનો આભાર પ્રગટ કર્યો હતો.
“સૂચિત સુધારાઓનો ઉદ્દેશ HT/LT લાઇન રેશિયોમાં સુધારો કરવાનો છે, ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગના ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ પ્રોગ્રામ હેઠળ સપ્લાય મેળવવા માટે ગ્રાહકોને સુવિધા આપવાનો અને અન્ય ગ્રાહકોને સપ્લાયની પસંદગી પૂરી પાડવાનો છે. નવા સુધારાને કારણે MSME માં 100 KW થી વધુ વીજ વપરાશ મેળવવા માંગતા ઉદ્યોગકારો ને પેનલ્ટીમાં રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યુત વિભાગની LT જોડાણ માટેની 100 KWની મર્યાદા વૈશ્વિક મંદી અને સ્પર્ધામાં ટકી રહેવા મથામણ કરતા MSME સેકટર માટે મોટો પડકાર હતો. કારણ કે 100 KW જોડાણ ધરાવતા એકમો તેની મર્યાદા વટાવે તો વધારાના ચાર્જ ચૂકવવો પડતા હતો. તેમજ વિજલોડની પણ સમસ્યા હતી. આ મહત્વની બાબતને GERCએ નોંધમાં લઈ 100 KW ની મર્યાદાને 150 KW સુધી કરાતા MSME સેકટરમાં રાહતનું વાતાવરણ સર્જાયું છે. અને 150 KW સુધીનો વીજપુરવઠો મેળવનાર ગુજરાત રાજ્ય કર્ણાટક રાજ્ય પછી દેશનું બીજા નંબરનું રાજ્ય બન્યું છે.