વાપી GIDC માં પ્લોટ નંબર 1708/A-2, 1715 તથા 1707 થર્ડ ફેઈઝ માં સ્થિત સરના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસની અસર થતા 2 કામદારોના મોત નિપજ્યા છે. જ્યારે 1 કામદાર હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈ મૃતક પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. તેવા સંજોગોમાં પણ કંપનીના સંચાલકો આ સમગ્ર ઘટના પર પડદો પાડી દેવાની વેતરણ કરી રહી છે. તો,ઘટનાને લઈ લાગતા વળગતા એજન્સીના અધિકારીઓ અને કેટલાક પત્રકારો પણ આ ઘટનાં પર ઢાંક પિછાળો કરવાની મથામણમાં જોવા મળ્યા છે.
વાપી GIDC પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વિગતો જોઈએ તો, ઘટનામાં 41 વર્ષીય ગોરેલાલ નંદ કિશોર મંડલ, 37 વર્ષીય દિલીપ શ્યામ સુંદર તાતી નામના કર્મચારી આ ઘટનામાં મોતને ભેટ્યા છે. જ્યારે ત્રીજો કર્મચારી ભુનેશ્વર હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મળતી વિગતો મુજબ આ ઘટના કંપનીમાં 5મી ડિસેમ્બરે સવારે 11:30 વાગ્યા આસપાસ બની હતી.
જેની વિગતો જોઈએ તો, મૃતક કર્મચારી ગોરેલાલ મંડલ, દિલીપ તાતી કંપનીમાં નોકરી પર આવ્યા હતાં. જેઓ કંપનીમાં એક ટ્રોલી પર કેમિકલ ભરેલ ડ્રમ બીજી જગ્યાએ મુકવા જતા હતા ત્યારે અચાનક ડ્રમ ગબડી જતા તેમાંથી કેમિકલ ઢોળાયું હતું. જેનો ગેસ બન્ને મૃતક કર્મચારી ઉપરાંત સારવાર હેઠળ રહેલ ભૂનેશ્વરને લાગ્યો હતો. જેથી તેઓએ ગૂંગળામણ અનુભવી હતી.
ઘટનાની જાણકારી તાત્કાલિક અન્ય કર્મચારી અને સંચાલક ને થતા ત્રણેય અસરગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગોરેલાલ અને દિલીપને મૃત જાહેર કર્યા હતાં. મૃતક બને કર્મચારીઓ વાપી નજીક છીરી ગામમાં આવેલ ક્રિષ્ના પાર્ક અને આનંદ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતાં. જેમના પરિવારને ઘટનાની જાણકારી મળતા તેઓ પર આભ ફાટી નીકળ્યું હતું. હાલ સમગ્ર મામલે GIDC પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમ્યાન વરસાદી પાણી સાથે કેમિકલ પાણી છોડવામાં અને તેના પર ઢાંક પિછાળો કરવામાં માહેર આ કંપની સંચાલકો આ ઘટના પર પણ ઢાંક પિછાળો કરવાની વેતરણમાં લાગ્યા હતા. જેમાં શરૂઆતમાં ઘટનાની જાણકારી પ્રાપ્ત થતા તેને લગતી એજન્સીના અધિકારીઓ અને કેટલાક પત્રકારોએ પણ ઘટનાને જગ જાહેર થતા અટકાવવા મથામણ કરી હતી. જો કે, તેમ છતાં આખરે ઘટના બહાર આવી ગઈ છે.
સ્થાનિક સૂત્રોનું માનીએ તો આ અરેરાટી જનક ઘટનાને લઈ ફરી એક વાર કંપનીઓમાં કર્મચારીઓને અપાતી સુરક્ષા અને સુરક્ષા સાધનો પર સવાલ ઉઠ્યા છે. તેમજ મૃતક પરિવારને કંપની વળતર આપશે કે કેમ? કે પછી કોન્ટ્રકટ હેઠળ કામ કરતા હોવાનો રાગ આલાપી હાથ ખંખેરી લેશે? તેના પર સૌ કોઈ મિટ માંડી ને બેઠું છે. જો કે આ લખાય છે ત્યાં સુધી આ અંગે હજુ કોઈ વિગતો મળી નથી.