Friday, May 24News That Matters

તરસે રઝળતો પૂર્વ પાણી પુરવઠા મંત્રીનો વિધાનસભા વિસ્તાર હવે રસ્તે રઝળતો થયો, જુવો કપરાડાનો રસ્તે રઝળતો વિકાસ

વલસાડ જીલ્લામાં કપરાડા વિધાનસભા વિસ્તાર જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે. સૌથી વધુ ગામ, સૌથી વધુ મતદારો, તો સૌથી વધુ કૌભાંડો (શિક્ષણ, આરોગ્ય જેવા) ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે. પાયાગત સુવિધાઓના અભાવે જિલ્લામાં વિકાસની દ્રષ્ટિએ સૌથી પછાત વિસ્તાર પણ કપરાડા જ છે. તો, સૌથી વધુ ક્વોરી ધરાવતો વિસ્તાર, જિલ્લાના અન્ય માર્ગો, રેલવે લાઇન માટે સૌથી વધુ કોન્ક્રીટ પૂરો પાડતો વિસ્તાર પણ કપરાડા છે. હવે સૌથી વધુ ખરાબ, ખાડા વાળા ધૂળિયા રસ્તા ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે.
આ વિસ્તાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીનો મત વિસ્તાર છે. 2007 થી અહીં જીતુ ભાઈ ચૌધરી સક્રિય રાજકારણમાં ચર્ચાતા રહ્યા છે. નામ મુજબ જીતતા રહ્યા છે. વિકાસના બણગાં ફૂંકતા રહ્યા છે. અને વિકાસ રસ્તે રઝળતો જોયા કરે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તે પહેલાં જીતુભાઇ ચૌધરી અનેક વિકાસના વાયદાઓ કરતા હતાં અને તે પુરા નહિ થતા ભાજપ સરકાર સામે હૈયા વરાળ ઠાલવતા હતા. જો કે, નસીબ પલટયું અને જીતુ ભાઈ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા. ફરી ચૂંટણી લડ્યા જીત્યા અને પાણી પુરવઠા મંત્રી પણ બન્યા હાલમાં પૂર્વ મંત્રી પણ બની ગયા છે. તેમ છતાં તેમના રાજકીય શાસન દરમ્યાન પાણી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આ પછાત તાલુકાને પછાતપણામાંથી વિકાસના પંથે લઈ જવામાં સૌથી વધુ નિષ્ફળ રહ્યા.
આજે પણ કપરાડા તાલુકાનો વિસ્તાર અને તેમાં વસતા નાગરિકો પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તાની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. કોંગ્રેસ કાળમાં બિસ્માર ગ્રસ્ત રસ્તો વિકાસના બણગાં ફૂંકતા ભાજપના શાસનમાં પણ બિસમાર જ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કપરડા ના લોકો આશા સેવીને બેઠા છે કે, ભારતનું ચંદ્રયાન મિશન તો સફળ થયું પણ કપરાડાનું રસ્તાયાન મિશન ક્યારે સફળ થશે?
કપરાડા તાલુકો મહારાષ્ટ્રની સરહદને જોડતો તાલુકો છે. આ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 મોદી સાહેબની 56ની છાતી મુજબ વાહનોને ગોથા ખવડાવતો 56 થી વધુ ખાડા વાળો માર્ગ જ રહ્યો છે. મોદી સાહેબ દર વખતે ચૂંટણી સમયે આ વિસ્તારના લોકોને યાદ અપાવતા આવ્યા છે કે, તેઓ અહીંના રસ્તે અને જંગલમાં ભટકી ગુજરાતને વિકાસના પંથે લઈ ગયા છે. જો કે the Boss નો આ ગુજરાત વિકાસ આજે પણ કપરાડામાં રસ્તે જ રઝળી રહ્યો છે.
જેમ અસ્ટોલ યોજના થકી 18 માળની ઇમારત જેવડા ડુંગરો પર પાઇપલાઇન પાથરી ઘર ઘર પાણી પહોંચાડવાની જાહેરાત અને તે બાદ તેનું ઉદ્ઘાટન કર્યું તે જ અસ્ટોલ યોજના એક જ વર્ષમાં ખાડે ગઈ છે. નળ છે પાઇપલાઇન છે પણ પાણીનું ટીપું ક્યાંક અટવાઈ ગયું છે. તેમ હાલમાં આ વિસ્તારમાંથી પસાર થઈ નાસિક તરફ જતો હાઇવે ખાડાઓમાં અટવાયેલો છે.
અકસ્માત માટે તેમજ જાનમાલની નુકસાની માટે સદાય બદનામ આ માર્ગ બિસમારનો બિસ્માર જ રહ્યો છે. હવે જીતુભાઇ ચૌધરી આ રસ્તાને ફોરલેન ક્યારે બનાવશે? અકસ્માતોનું પ્રમાણ કેવી રીતે ઘટે તેનું મનોમંથન ક્યારે કરશે? ધૂળિયા બનેલા રસ્તા ને ડામર કે કોન્ક્રીટ રોડ બનાવવા પોતાની સરકાર સામે રણશીંગુ ક્યારે ફૂંકશે? કપરાડા નો રસ્તે રઝળતો વિકાસ બુલેટ ટ્રેનની જેમ પાટે ક્યારે ચડાવશે? તેવા અનેક સવાલો કપરાડા વિધાનસભાના મતદારોમાં ઉઠી રહ્યા છે.
ધરમપુર-નાનાપોન્ઢા-કપરાડા થઈ નાસિક તરફ જતો આ હાઇવે એકદમ બિસ્માર બન્યો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડા અનેક ટ્રક ને ઊંધે માથે પલ્ટી મરાવી રહ્યા છે. ધૂળની ડમરીઓ વચ્ચે વાહન ચાલકો પોતાની અને મુસાફરોની જાન હાથમાં લઈ પસાર થઈ રહ્યા છે. કુંભ ઘાટ, તડકેશ્વર મંદિર ઘાટ, માંડવા ઢાળ આસપાસનો વિસ્તાર મોત નો માર્ગ બન્યો છે.
હાલમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશના મતદારોને રીઝવવા ગુજરાતના વિકાસની દુહાઈ દેનાર ભાજપ સરકારના નેતાઓને સાંભળવાને બદલે મતદારોએ કપરાડા ના આ હાઇવે પરથી પસાર થઈ પોતાના રાજ્યમાં આવેલા ટ્રક ચાલકો પાસેથી વિકાસની વાતો સાંભળવી જરૂરી હતી. કપરાડાના રસ્તે રઝળતા વિકાસથી અવગત થવું જરૂરી હતું. જો કે હવે એ તક જતી રહી છે. પરંતુ, મોદી સાહેબ આગામી દિવસોમાં કપરાડાની મુલાકાતે આવનાર છે. તેઓ આ રસ્તે પસાર થાય, તેમના સમયનું કપરાડા આજે રસ્તાની બાબતે રસ્તા પર જ છે તે અનુભવ કરે તેવી મહેચ્છા કપરાડા વિધાનસભાના મતદારો જરૂર સેવી રહ્યા છે.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *