Saturday, July 27News That Matters

સરીગામ ઉદ્યોગોનું કેમિકલ વેસ્ટ પાણી તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપલાઇન નાખવામાં આવશે

વલસાડ જિલ્લાના સરીગામ ઔધોગિક વસાહત ના CETP પ્લાન્ટની શ્રમતા વધતા કેમિકલ વેસ્ટ પાણી ટ્રીટમેન્ટ કર્યા બાદ તડગામના દરિયામાં છોડવા માટે વધારાની પાઇપ લાઇન નાખવા પહેલા દરિયાની અંદર એજન્સી દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ ઔદ્યોગિક એકમમાં બહુધા રાસાયણિક પ્રોડક્ટ ધરાવતી કંપનીઓ આવેલી છે. આ તમામ કંપનીમાંથી નીકળતું પ્રદૂષિત પાણી આડેધડ છોડવામાં આવતું હોવાથી જે તે સમયે આજુબાજુની નદીઓના નીર પ્રદુષિત થયા હતા. જે તે સમયે કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે સરીગામ ખાતે પંપીંગ સ્ટેશનનું નિર્માણ કરી સરીગામ થી તડગામના દરિયામાં 14 કિલોમીટર સુધી સિમેન્ટની પાઇપલાઇન નાખવામાં આવી હતી.

એ પાઇપલાઇન મારફતે ટ્રીટમેન્ટ કર્યા વિના અનેક બેદરકારીથી પાણી દરિયાની અંદર છોડવામાં આવતું હતું. જેના કારણે વચ્ચે આવતા ગામોમાં વારંવાર પાઇપલાઇન તૂટવાથી કેમિકલ ખેતરોમાં ફેલાતું હતું. ખેડૂતોને તેમજ પશુપાલકોને ભારે નુકસાની થતી હતી. કેમિકલ યુક્ત પાણી તડગામના દરિયામાં છોડવામાં આવતું હોવાથી એ વિસ્તારમાં વારંવાર લાખોની સંખ્યામાં માછલીઓ સહિત દરિયાઈ જીવ સૃષ્ટિ મરવાના બનાવો બનતા હતા.

તડગામ તેમજ આજુબાજુના ગામોના દરિયામાં થયેલા પ્રદૂષણના કારણે માછલી અદ્રશ્ય થતાં અનેક માછીમાર કુટુંબો બેરોજગાર બન્યા હતા. વર્ષ 2008 માં નારગોલ ગામના તત્કાલીન સરપંચ યતીન ભંડારી તેમજ તડગામ અને સરોડા ગામના સરપંચો, પર્યાવરણવાદી અને ખેડૂતો દ્વારા સરીગામ ઉદ્યોગોનું ઠલવાતું કેમિકલ યુક્ત પાણી સામે ફરિયાદ કરી હતી. આ મામલો જે તે સમયે ગુજરાત હાઇકોર્ટ સુધી રિટ પિટિશનના સ્વરૂપે ઉપાડતા સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું હતું.

વર્ષ 2010 માં કેમિકલ પાઇપલાઇન નાખવા આવેલી એજન્સીની ટીમ સાથે સ્થાનિક લોકોનો સંઘર્ષ થયો હતો જે તે સમયે ઉશ્કેરાયેલા નારાજ લોકોએ HDPE પાઇપલાઇનને સળગાવી હતી. જે તે સમયે 20 લાખની પાઇપ લાઇન તેમજ અન્ય મુદ્દામાલ સળગાવ્યો હોય તે બાબતે નારગોલ ગામના સરપંચ યતીન ભંડારી સહિત આજુબાજુ ગામના સરપંચો અને આગેવાનો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ જલદ આંદોલનના કારણે વર્ષ 2014માં સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 15 MLD શ્રમતા ધરાવતું CETP મંજૂર કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કાયદેસર રીતે તમામ કેમિકલ વેસ્ટ પાણી ફિલ્ટર કર્યા બાદ પાઇપલાઇન મારફતે તડગામના દરિયા કિનારામાં છોડવામાં આવે છે. સદર CEPT પ્લાન્ટ ની શ્રમતામાં સરકારે તાજેતરમાં 10 MLD વધારો કરતા 70 કરોડના ખર્ચે વધારાની પાઇપલાઇન સિસ્ટમ માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ યોજનામાં દરિયાની અંદર પાંચ કિલોમીટર પાણી છોડવામાં આવશે જે માટે તાજેતરમાં એજન્સીએ પાંચ કિલોમીટર અંદર થી તડગામના દરિયા કિનારા સુધી પાઇપલાઇન બિછાવા માટે દરિયાની અંદર જરૂરી સોલીડ ટેસ્ટનું સર્વેક્ષણ આધુનિક મશીનરીથી શરૂ કર્યુ છે.

તડગામ ગામની અંદર વધુ પાઇપલાઇન નાંખવા માટેની કામગીરી શરૂ થતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાની અંદર વધુ પ્રમાણમાં કેમિકલ વોટર વેસ્ટ છોડવાથી માછીમારીને અસર થવાની શક્યતાને લઈ માછીમાર સમાજમાં ખાસ્સી નારાજગી સાથે ભય જોવામાં રહે છે.

સ્થાનિક સરપંચ આગેવાનોના વિરોધના ડરથી કોઈ એજન્સી ટેન્ડર ભરવા તૈયાર ન હતી…..

વર્ષ 2010માં સ્થાનિક સરપંચોએ કેમિકલ પાઇપલાઇન સામે આક્રમક રીતે વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ પાઇપલાઇન નાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો. પાઇપલાઇન નાખતી એજન્સી અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષનો માહોલ પણ સર્જાયો હતો જે તે સમયે સ્થાનિક લોકોએ લાખો રૂપિયાની પાઇપલાઇન સળગાવી હતી ત્યારે આગેવાન સરપંચો અને ખેડૂતો સામે એજન્સીએ પોલીસ ફરિયાદ કરી હતી.

સરપંચોને અંધારામાં રાખી કેમિકલ પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે…..

તાજેતરમાં ફરી એક વખત સરીગામ થી તડગામના દરિયાની અંદર સુધી કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડવા માટે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે તડગામ તેમજ નારગોલ સહિત આજુબાજુના સરપંચો અજાણ છે. તંત્ર દ્વારા સ્થાનિક પંચાયત તેમજ આજુબાજુ ગામના સરપંચોને માહિતગાર કર્યા નથી. તો બીજી તરફ આ કામગીરી શું ચાલી રહી છે તેવા અનેક પ્રશ્નો લઈ ગ્રામજનો સરપંચો પાસે પહોંચી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *