વાપીમાં ઇફતાર પાર્ટીનું કરાયું આયોજન, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ રહ્યા ઉપસ્થિત
હાલમાં મુસ્લિમ સમાજનો રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે રોજેદારોને ઇફતાર કરાવવા વાપીમાં ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 જેટલા રોજેદારોને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ સતીશ પટેલ સહિત મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી ઇફતાર કરાવી હતી.
વાપીમાં ડુંગરા વિસ્તારમાં આવેલ દાવત પાર્ટી પ્લોટ ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના મુસ્લિમ સમાજના અગ્રણી મોહમદ ઈશા (બબલુભાઈ), કલીમ ભાઈ, હારુન ભાઈ દ્વારા આયોજિત આ ઇફતાર પાર્ટીમાં રાજ્યના નાણાપ્રધાન અને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી સૌને ઇફતારી કરાવી હતી.
આ અંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો એવો જિલ્લો છે. જ્યાં કોમી એકતા, કોમી સમરસતા હંમેશા જળવાઈ રહી છે. આ વિસ્તાર ઉદ્યોગિક વિસ્તાર હોય અહીં દરેક જાતિના લોકો ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે. ...