ઉમરગામમાં અનરાધાર વરસાદથી સંજાણ અન્ડરપાસમાં ભરાયા પાણી, વારોલી નદી બે કાંઠે
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સંજાણ અન્ડરપાસ માં પાણી ભરાયા છે. તો, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ હોય સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદી બે કાંઠે વહી રહી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે આવેલ રેલવે અન્ડરપાસ વરસાદી માહોલમાં વાહનચાલકો માટે મુસીબત બન્યો છે. સંજાણ અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો એ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ઉમરગામ તાલુકામાં છેલ્લા 28 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો, ઉપરવાસમાં મહારાષ્ટ્ર ના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેનું વરસાદી પાણી સંજાણ નજીક પસાર થતી વારોલી નદીમાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. રવિવારથી વરસી રહેલો વરસાદ સંજાણ વાસીઓ માટે આપદા લઈને આવ્યો છે. આ વિસ્તારમાં રેલવે અન્ડરપાસ મુખ્ય આવાગમન માટે નો માર્ગ છે. જેમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
...