વાપીમાં આહીર સમાજે શરદ પૂર્ણિમાએ રાસ ગરબાનું આયોજન કર્યું, પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ આહીર રાસ ની રમઝટ બોલાવી
વાપીમાં શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ આહીર સેવા સમાજ દ્વારા શરદ પૂર્ણિમા નિમિતે રાસ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજની મહિલાઓએ ભાતીગળ વસ્ત્રોમાં ઉપસ્થિત રહી પ્રાચીન આહીર રાસની રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે આહીર રાસ અને ઢોલના તાલે રાસ રમાડતા અમરા ઢોલી પાછળ 140 આહીરાણીઓ વ્રજવાણી માં સતી થઈ હોવાની અનેક દંતકથાઓ છે. કવિઓ, લેખકોએ આહીર રાસ, આહીરોની ખુમારી અને ખમીરને એક અનોખી ઓળખ અપાવી છે.
વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને કર્મભૂમિ બનાવી સ્થાઇ થયેલા સૌરાષ્ટ્ર-કચ્છના આહીર સમાજે વાપીમા શરદ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ભગવાન કૃષ્ણની પરંપરા આહિર સમાજે જાળવી રાખી છે. આજના દિવસે રાસ ગરબા રમવા સાથે સમાજના દરેક લોકો એકબીજાને હળેમળે છે. છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે શરદ પૂનમે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
...