
વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ, 17મી સપ્ટેમ્બર થી 2જી ઓકટોબર સુધી આયુષ્માન સેવા પખવાડિયું ઉજવાશે
આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાથી અવગત કરવા અને આ યોજનાઓની માહિતી તેમજ મળવાપાત્ર લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તા. 17 મી સપ્ટેમ્બર, 2023 થી તા. 02 જી ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે. આ અભિયાનનું દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પણ આયુષ્માન ભવઃ અભિયાનની શરૂઆત જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે જણાવ્યું હતું કે, આયુષ્માન ભવઃ યોજનાના કાર્યક્રમ હેઠળ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન તા. 17 મી સપ્ટેમ્બર થી તા. 02 જી ઓકટોબર, 2023 સુધી ચાલનારા આ સેવા પખવાડિયા અંતર્ગત લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ આપવાનો છે.
...