વાપીમાં કોપરલી ચાર રસ્તા પર કારમાં લાગી આગ, વાપી નગરપાલિકા ફાયરે આગ પર કાબુ મેળવ્યો
વાપી નગરપાલિકા વિસ્તારમાં કોપરલી ચાર રસ્તા પાસે પાર્ક કરેલ એક કારમાં અચાનક આગ લાગતા માર્ગ પર પસાર થતા વાહનચાલકો માં અચરજ સાથે ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જો કે વાપી નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરી ની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગે વાપી નગરપાલિકા ફાયર તરફથી મળેલ વિગતો મુજબ શનિવારે 11 વાગ્યે કોલ આવ્યો હતો કે વાપીના કોપરલી ચાર રસ્તા પાસે PWD સર્કિટ હાઉસ નજીક એક GJ15-CA-4469 નંબરની મારુતિ ઑમ્ની વાનમાં અચાનક જ આગ લાગતા આગની વિકરાળ જ્વાળાઓ ઉઠી રહી છે. એટલે ફાયર વિભાગની એક ટીમ ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. વેન માં ભીષણ આગ લાગી હોય તેની જ્વાળાઓ લબકારા મારતી હતી. જેના પર તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
કારમાં આગ લાગી ત્યારે કાર ચાલક કાર પાર્ક કરીને બહાર નીકળી ચુક્યો હતો એટલે જાનહાની ટળી હતી....