Friday, December 27News That Matters

વાપીમાં વરસેલા ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં ભરાયું 5 ફૂટ પાણી, ઉપરવાસમાં ભારે વરસાદથી મધુબન ડેમમાંથી પણ છોડાયું 50 હજાર ક્યુસેક પાણી

વલસાડ જિલ્લાના વાપી તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં શુક્રવારની સાંજથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને કારણે વાપીમાં આવેલ રેલવે ગરનાળામાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જ્યારે, ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના વાપીમાં છેલ્લા 24 કલાકમાં 175mm વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે. એ જ રીતે દાદરા નગર હવેલીમાં અને દમણમાં પણ 24 કલાકમાં અનુક્રમે 115mm અને 157mm વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. આ તરફ મધુબન ડેમના 8 દરવાજા 0.80 મીટર ખોલી તબક્કાવાર 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

શુક્રવારે અને શનિવારે વલસાડ જિલ્લાના વાપી-ઉમરગામ તાલુકામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં મેઘરાજાએ પોતાની સટાસટી બોલાવી હતી. વાપીમાં શુક્રવારે સવારના 6 વાગ્યાથી શનિવારના સવારના 6 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વિગત જોઈએ તો વાપીમાં 177 mm (7 ઇંચ) વરસાદ વરસ્યો હતો.

જેમાં પણ રાત્રે બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા વાપીના તમામ રસ્તાઓ અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળામાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જેનો નિકાલ કરવા માટે પાલિકા તંત્ર દોડતું થયું હતું. રેલવે ગરનાળાના પાણીના નિકાલ કરવા માટે પાલિકાના 12 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા. જેમની સાથે નગરપાલિકાના કાઉન્સિલરો, વોટર વર્ક સમિતિના ચેરમેન સહિતના સભ્યો પર સવાર સુધી પાણીના નિકાલની વ્યવસ્થામાં જોડાયા હતા.

જો કે 11 વાગ્યા સુધીમાં ગરનાળામાં ભરાયેલ પાંચ ફૂટ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હાલમાં ગરનાળામાં એકાદ ફૂટ જેટલું પાણી હોય તેનો પણ નિકાલ થતાં રેલવે ગરનાળામાં સ્થગિત થયેલો વાહન વ્યવહાર ફરી કાર્યરત થશે. વાપીની જેમ જ ઉમરગામમાં પણ છેલ્લા 24 કલાકમાં 90 એમએમ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને કારણે ઉમરગામના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાવાના બનાવો બન્યા હતા.

એ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. દમણમાં 24 કલાકમાં 157 એમએમ વરસાદ વરસ્યો હતો. જ્યારે દાદરા નગર હવેલીના સેલવાસમાં 115 mm વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારના સૌથી મોટા ડેમ કહેવાતા મધુવન ડેમમાં પણ ભારે પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ છે. જેને કારણે આઠ જેટલા દરવાજા 0.80 મીટર પર ખોલી 50000 ક્યુસેક જેટલું પાણી દમણગાર નદીમાં છોડવામાં આવ્યું છે.

મધુબન ડેમમાં હાલ 43543 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. લેવલ હાલ 73.70 મીટર પર પાણીને સ્થિર કરી 28228 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જે તબક્કાવાર 50 હજાર ક્યુસેક સુધી લઈ જવામાં આવશે. 8 દરવાજા ખોલી દમણગંગા નદીમાં આ પાણી છોડાઈ રહ્યું છે.

સીઝન કુલ વરસાદની વાત કરીએ તો વાપીમાં સીઝનનો અત્યાર સુધીમાં કુલ 1723 એમએમ એટલે કે 68 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ઉંમરગામમાં 1824 એમએમ એટલે કે 71 ઇંચ વરસાદ વરસ્યો છે. દમણમાં 1712 mm એટલે 68 ઇંચ અને સેલવાસમાં 1814 એમએમ એટલે કે 71 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. જો કે હજુ પણ મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *