વાપી :- શ્રાવણ આવે એટલે વલસાડ, દમણ, સેલવાસ જાણે કે લાસ વેગાસમાં ફેરવાઈ જાય છે. હાઈ સોસાયટીઝમાં હવે સોના અને ચાંદીમાંથી બનેલાં તાશનાં પત્તાનું ચલણ વધવા માંડ્યું છે. જુગાર એક એવું એવું દૂષણ છે કે જે ગરીબ હોય કે તવંગર સ્ત્રી હોય કે પુરુષ સહુ કોઈ તેના વ્યસની બની જાય છે. સોનાચાંદીના વેપારીઓના જણાવ્યા મુજબ વાપીમાં દરરોજ સોના કે ચાંદીની વન ગ્રામ પ્લેટેડવાળી કેટ (તાશના પત્તા)નું વેંચાણ થાય છે.
હિંદુ ધર્મના પ્રખર પંડિતોને એ જ સમજાતું નથી કે, શ્રાવણ અને જુગાર વચ્ચે શો સંબંધ છે. શ્રાવણની મોસમ એટલે જાણે કે જુગાર રમવાની મોસમ, સમયની સાથે હવે આ રમતમાં પણ નીતનવા પરિવર્તન આવતાં જાય છે. વલસાડ, દમણ, સેલવાસમાં ધમધમતી કેટલીક ક્લબમાં કે હાઈ સોસાયટીઝમાં હવે સોના-ચાંદીમાંથી બનેલાં તાશના પત્તા સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. બાવન પત્તાની આ જોડ 1000 રુપિયાથી લઈ 3000 રુપિયાની રેન્જમાં વેચાય છે.
જ્યારે કેટલાક તવંગર શોખીનો તાઈવાન, હોંગકોંગ, સિંગાપોર અને મલેશીયાથી ઓનલાઈન શોપીંગ કરી આ પત્તા ખરીદે છે. જ્યાં આવા તાશના પત્તા 30 હજાર સુધીની રેન્જમાં ખરીદી કરે છે કે મંગાવે છે. વલસાડ વાપી જેવાં શહેરોમાં ઘણાં સોનીઓએ પણ આવાં પત્તા બનાવવાનું શરુ કર્યું છે. દમણ, વલસાડ, વાપી, સેલવાસમાં આવા પત્તાની માંગ છે. રોજના પાંચેક સેટ વેંચાતા હોય છે. અને તે હા઼ઇફા઼ઇ સોસાયટી, જુગારધામ, જુગાર ક્લબના સંચાલકો ખરીદે છે. આ ક્રેઝ શ્રાવણ માસ દરમ્યાન વધુ જોવા મળે છે જેમાં તાશના પત્તા સોનામાં કે ચાંદીમાં એક ગ્રામ પ્લેટેડ કરાયેલા હોય છે. તો, જુગાર ઉપરાંત લોકો કલેક્શન અને ગિફ્ટ માટે પણ આ પત્તા ખરીદે છે.
તાશના પત્તાની રમતમાં ગૃહિણિઓ અને આમઆદમી માટે રમી, તીનપત્તી, દસ્સા કે મીંડી કોટ, બોલ પત્તી અને જોડપત્તી સુધી મર્યાદિત છે. પણ, દમણની સ્ટાર વિલા જેવી હોટેલોના હાઈ-ફાઈ જુગારધામોમાં નાઈન્ટી નાઈન, બ્લેક જેક, બ્રીજ, હાર્ટ, પોકર, ઓલ્ડ મેઈડ વગેરે જેવી નામ પણ ના સાંભળ્યાં હોય તેવી રમતો રમાય છે. વાપી, વલસાડ, દમણ, સેલવાસની હાઈ સોસાયટીની મહિલાઓમાં સ્પુન કાર્ડની રમત ઘણી લોકપ્રિય છે જેમાં ખેલીઓ કોઈ પણ ભોગે જીતવા માંગે છે.
દમણમાં અને સંજાણમાં આવેલા નામચીન જુગારધામ પર તો જુગાર રમવા માટે ઊંચુ ભાડું આપી ખાસ ખેલૈયાને રોકે છે. તો, ઘણાં ખાસ કોડવાળાં પત્તાનો ઉપયોગ કરી બીજાને ખબર ના પડે તે રીતે ચીટીંગ કરતાં હોય છે. જુગારનું આ વિશ્વ આખું અનોખું છે. ફાઈવ સ્ટાર રીસોર્ટમાં ખડેપગે નોકર હોય છે, જુગારીયાઓને સંગીત, શરાબ, શબાબ અને કબાબની સંગત પણ પૂરી પડાય છે.
જો કે સમગ્ર બાબતમાં એક બાબત દીવા જેવી ચોખ્ખી છે કે, કાયદાની રહેમ નજર હેઠળ મસ્તી ખાતર રમાતા જુગારનું જો વ્યસન લાગી જાય તો જીવન અને પરિવાર બરબાદ થઈ જાય છે.