Thursday, December 5News That Matters

કોરોના કાળમાં મંદીની બૂમ માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.

વાપી : કોરોના કાળમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં નાણાકીય વર્ષ 2019 થી ઓગસ્ટ 2021 દરમ્યાન 4392 મિલકતોની આકારણી થઈ છે. જ્યારે વાપી GIDC વિસ્તારમાં એપ્રિલ 2018થી ઓગસ્ટ 2021 સુધીમાં 920 અરજીઓ મંજૂર થઈ છે. નગરપાલિકામાં કોરોનાકાળના વર્ષ 2020-21માં પાલિકાએ 97.52 ટકા સુધીનો મિલકત વેરો વસુલ્યોછે. વર્ષ 2021-22 માં ઓગસ્ટ સુધીમાં 56 ટકા વસુલાત થઈ છે. વાપી GIDCએ 20.41 કરોડ જેવી રકમ ફી પેટે મેળવી છે. ત્યારે, મંદીની બૂમ હકીકતથી વિપરીત છે. જે કદાચ દરેક સેક્ટરના માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.

 

 

વલસાડ જિલ્લામાં વાપી તાલુકો ઔદ્યોગિક વસાહત તરીકે જાણીતો છે. 22.44 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ વાપી નગરપાલિકા 14 વોર્ડમાં વહેંચાયેલી “અ” વર્ગની નગરપાલિકા છે.  વાપી GIDC-નોટિફાઇડ વિસ્તાર 1117 હેકટરમાં ફેલાયેલો છે. ત્યારે, હાલ દેશ અને વિશ્વમાં 2 વર્ષથી કોરોના હાહાકાર મચાવી રહ્યો હોવા છતાં પણ આ વિસ્તારમાં ધંધા રોજગારને કોઈ મોટી અડચણ આવી નથી. અનેક સેકટરમાં તેજી અવિરત રહી છે. વાપી નગરપાલિકામાં નાણાકીય વર્ષ 2019-20માં 3042, વર્ષ 2020-21માં 973 અને ચાલુ વર્ષ 2021-22માં ઓગસ્ટ મહિના સુધીમાં 372 મિલકતોની આકારણી થઈ છે.

વર્ષ 2020 અને 2021 કોરોના કાળના પંજામાં હોવા છતાં વાપી નગરપાલિકાએ મિલકત વેરામાં દંડ અને રિબેટની યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકારે ટેક્સમાં રાહત આપી જેને કારણે વર્ષ 2020-21માં 97.52 ટકા સુધીની ટેક્સ વસુલાતની વિક્રમજનક સિદ્ધિ મેળવી. વર્ષ 2021-22માં પણ અત્યાર સુધીમાં 56 ટકા વસુલાત થઈ છે જે બતાવે છે કે કોરોના કાળમાં મંદી નહિ તેજી અકબંધ રહી છે અને સરકારની તિજોરી છલકાઇ રહી છે.

વાપી નગરપાલિકાની જેમ વાપી GIDC માં પણ તેજી અકબંધ રહી છે. 1117 હેકટરમાં પથરાયેલ વાપી અદ્યોગિક વસાહતમાં એપ્રિલ 2018થી ઓગસ્ટ 2021 સુધીમાં નવા બાંધકામ માટે 920 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેની ફી પેટે 20,41,65,289 રૂપિયા તિજોરીમાં જમા કરાવ્યાં છે.

 

ઉલ્લેખનીય છે કે પાછલા ત્રણેક વર્ષમાં રાજ્ય સરકારે બાંધકામ ક્ષેત્રે અનેક નવા નિયમો અમલી બનાવ્યા છે. કોરોનાકાળમાં 5 મહિના લોકડાઉનમાં વીત્યા હતાં. તેમ છતાં વાપી જેવા વિસ્તારમાં પણ મિલકતોમાં કોઈ મંદી વર્તાઈ નથી. 3 વર્ષના આંકડા બતાવે છે કે, રીયલ એસ્ટેટ સહિત તમામ ક્ષેત્રે તેજી અવિરત રહી છે. મંદીની બૂમ હકીકતથી વિપરીત છે. જે કદાચ દરેક સેક્ટરના માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *