ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દમણ ખાતે યોગોત્સવ 2024 ‘ધ્યાન-યોગ’નું આયોજન કરવામાં આવ્યું હતું. એર સ્ટેશન પર બનેલા 1035 મીટર લાંબા રન-વે પર યોજાયેલ આ કાર્યક્રમમાં દમણ, વાપી, વલસાડના 4,500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં જેઓએ યોગ ની સાથે સાથે કોસ્ટગાર્ડ ના પ્લેન હેલિકોપ્ટર ને નજીકથી નિહાળી તેને યાદગાર સંભારણા રૂપે મોબાઈલ કેમેરામાં કંડાર્યા હતાં.દમણ અને વલસાડના લોકો માટે રવિવારની સવાર શુભ સવાર બની હતી. કેમ કે, રવિવારે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનને રન વે પર યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તમામે યોગના વિવિધ આસનો ક્રરી સ્વાસ્થ્ય કેળવ્યું હતું. તો, એ સાથે કોસ્ટગાર્ડ ના પ્લેન હેલિકોપ્ટર ને નજીકથી નિહાળવાનો અવસર મેળવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્થાનમાં કોસ્ટગાર્ડ એરસ્ટેશન દમણની પણ પસંદગી કરવામાં આવી છે. જે અનુસંધાને 16મી જૂન 2024ના દમણ એર સ્ટેશન પર યોગ અને ધ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે કોસ્ટ ગાર્ડ દમણ ના કમાન્ડન્ટ DIG સુદ્ધાંશું વાજપેયી એ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં દમણ, વાપીના અંદાજીત 4500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં. તમામે દમણ એર સ્ટેશન ખાતે નવા બનેલા સેકેંડેરી રન વે પર યોગ કરી સ્વાસ્થ્યની કાળજી લીધી હતી. દમણ એર સ્ટેશન પર હાલ માં નવો રન વે બનાવવામાં આવ્યો છે. આ રન વે પર આગામી દિવસમાં રિજનલ કનેક્ટિવિટી સાથે શિડયુલ સિવિલ ફ્લાઇટ શરૂ થવાની છે. જેની શુભ શરૂઆત પહેલા યોગ નો કાર્યક્રમ યોજી શુભ કાર્ય કરવામાં આવ્યું હતુઁ. આ રન-વેની લંબાઈ 1035 મીટર છે.યોગ માટે વહેલી સવારે 6 વાગ્યે દમણ અને વલસાડ જિલ્લાના યોગ શોખીનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, યોગ દરેકના જીવનમાં મહત્વપૂર્ણ છે. દરેકે યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કોસ્ટ ગાર્ડ દ્વારા કરેલા આયોજનમાં રન વે પર આવીને યોગ કરવાની તક મળી છે. જે યાદગાર સંભારણું બન્યું છે.રન વે પર યોગ કરવા વડીલો સાથે આવેલા યુવાનો, બાળકોએ પણ આ યોગ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ યોગ કર્યા હતાં. જેઓએ આનંદની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે, વર્ષોથી અહીં રહીએ છીએ પરંતુ કોસ્ટગાર્ડ ના રન વે પર આવવાની તક મળી નહોતી. પરંતુ આજે યોગના કાર્યક્રમ સાથે આ તક મળી છે. એટલે યોગ કરવા સાથે અહીં કોસ્ટગાર્ડ ના પ્લેન અને હેલિકોપ્ટર નિહાળ્યા તેની સાથે સેલ્ફી લીધી છે. જે તેમના સોશિયલ મીડિયા હેન્ડલના સ્ટેટસ માં મુકશે. આ તક પુરી પાડવા બદલ કોસ્ટ ગાર્ડ દમણનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે, જ્યારથી યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારથી દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના યોગ અને ધ્યાન કાર્યક્રમમાં કેવલ્ય ધામ અને આર્ટ ઓફ લિવિંગ નો સહયોગ પ્રાપ્ત થયો હતો. જેમાં યોગ બાદ આર્ટ ઓફ લિવિંગનો આનંદ ઉઠાવી મન પ્રફુલ્લિત કરતા નૃત્યની પણ મોજ લીધી હતી.