દમણના દલવાડા કોસ્ટગાર્ડ એર સ્ટેશન નજીક આવેલ તટ રક્ષક વિહારના ચોથા માળેથી જમીન પર પટકાયેલ બે બાળકોના કરુંણ મોત નિપજ્યા છે. પોલીસ તપાસમાં બન્ને બાળકોના માતાપિતા વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં માતાએ બન્ને બાળકોને ચોથા માળની બાલ્કનીમાંથી ફેંકી દીધા હતાં. આ ઘટના બાદ દમણ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ઘટના અંગે દમણ પોલીસે વિગતો આપી છે કે, 21 જાન્યુઆરી 2025 ના રોજ, લગભગ મોટી દમણના CHCમાંથી એક ફોન આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે બે બાળકો એક બિલ્ડીંગના ચોથા માળેથી પડી ગયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારીઓ મોટી દમણના CHC પહોંચ્યા હતાં. જ્યાં બંને બાળકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. બન્ને બાળકો એકબીજાના સગા ભાઈ હતા,
બંને બાળકો TRV (તટરાક્ષક વિહાર) દલવાડા, નાની દમણના રહેવાસી હતા. જેમના મોત નિપજાવવા બદલ બંને બાળકોની માતા સીમા યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103 હેઠળ કોસ્ટલ પોલીસ સ્ટેશન, કડૈયા, નાની દમણમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે TRV માં ચોથા માળે રહેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આરોપી મહિલાએ બંને બાળકોને એક પછી એક ચોથા માળની બાલ્કનીમાંથી ફેંકી દીધા હતા. અને તેણે જાતે પણ કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પતિએ તેને પકડી લેતા તે બચી ગઈ હતી. હાલ આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.