દમણ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા મોંઘવારી અને કોરોના કાળમાં કામદારોને મદદરૂપ થવા નવા લઘુતમ વેતનનો પરિપત્ર બહાર પાડ્યો છે. જેને દમણના કચીગામમાં કાર્યરત ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો ઘોળીને પી જતા સોમવારે 300થી વધુ કામદારોએ પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી હતી. જેમાં પોલીસ અને લેબર ઓફિસરની દરમ્યાનગીરી અને સંચાલકોની ખાતરી બાદ કામદારોએ હડતાળ સમેટી લીધી હતી.
પ્રશાસને બહાર પાડેલ નવા નોટિફિકેશન મુજબ 1લી એપ્રિલથી દરેક કંપની સંચાલકે કામ કરતા કુશળ કારીગરને દૈનિક વેતન મુજબ 356 રૂપિયા, અર્ધકુશળ કારીગરને 348 રૂપિયા, બિનકુશળ કારીગરને 340 રૂપિયા વેતન ચૂકવવું ફરજીયાત છે. જ્યારે કંપની સંચાલકો કોરોનામાં કામદારોને કામ આપીએ છીએ એવી દમદાટી આપી કામદારોને 300 રૂપિયા આસપાસ જ વેતન આપી તેમનું શોષણ કરી રહ્યા છે. જેની સામે પ્રશાસન કાયદેસરની કાર્યવાહી કરી કામદારોને ન્યાય અપાવે તેવી માંગ સાથે કામદારોએ આ હડતાળ પાડી હતી.
દમણના કચિગામમાં બોલપેન બનાવતી ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના યુનિટ 4 ના ગેટ બહાર કામદારોએ એકઠા થઇ હોબાળો મચાવ્યો હતો. જે બાદ કંપનીમાં કામદારો કામ પર લાગી જતા કંપનીના મેનેજર સુમનસિંગે પગારને લઈને ગેરસમજ હોવાનું રટણ કર્યું હતું. જ્યારે કંપનીમાં કેટલા કામદારો કામ કરે છે ? કેટલો પગાર ચુકવવામાં આવે છે તેવા સવાલના જવાબ આપવાનું ટાળી ચાલતી પકડી હતી.