વાપી :- ગત 1લી જુનના વાપીમાં ટાઉન વિસ્તારમાં બુનમેક્સ સ્કૂલ નજીકના ખુલ્લા મેદાનમાથી 34 વર્ષીય રાજસ્થાની યુવકનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી એક સગીર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુન્હો ઉકેલી નાખ્યો છે. જેમાં મૃતક યુવકને આરોપીઓએ લૂંટયો હતો. જેમાં માત્ર 500 રૂપિયા જ મળતા યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.
વલસાડ જિલ્લાના વાપી ટાઉન વિસ્તારમાં 1લી જૂન મંગળવારે વાપી ચલા કસ્ટમ રોડ ઉપર બુનમેક્સ સ્કૂલ નજીક ખુલ્લા મેદાનમાં એક યુવકની લાશ પડી હોવાની વિગતો વાપી ટાઉન પોલીસને મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. જેમાં મૃતક યુવકનું નામ અમરસિંહ કિડીયા ડામોર હોવાનું અને છૂટક મજૂરી કરવા રાજસ્થાનના બાંસવાડાથી દોઢેક મહિના પહેલા જ વાપીમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વાપીમાં તે તેના બહેન-બનેવી સાથે રહેતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક યુવકના મોઢા અને ગળાના ભાગે ઇજાના નિશાન હતાં. પોલીસે તેમની હત્યા કોણે અને શા માટે કરી છે તે દિશામાં વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં 1 સગીરવયના અને એક પુખ્ત વયના આરોપીઓને ઝડપી આગવી ઢબે પૂછપરછ કરતા આ હત્યા તેમણે કરી હોવાનું કબુલ્યું હતું. આરોપી વિશાલ હળપતિએ પોલીસ ને વિગતો આપી હતી. તેને પૈસાની સખત જરૂર હતી એ માટે તેઓ લૂંટના ઇરાદે મુક્તાનંદ માર્ગ પરથી પસાર થઈ રહેલા અમરસિંહ જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી, પરંતુ લૂંટમાં માત્ર પાંચસો રૂપિયા જ મળતા ઉશ્કેરાઈ જઈ તેની હત્યા કરી નાખી હતી.
પોલીસે ઝડપેલાં બંને આરોપીઓમાં એક સગીર વયનો હોય તેને બાળ સુરક્ષાગૃહમાં કાઉન્સેલિંગ માટે મોકલી આપ્યો છે. જ્યારે મુખ્ય આરોપી વિશાલ હળપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ વિશાલ ગુન્હાખોરીનું માનસ ધરાવતો રીઢો આરોપી છે. અગાઉ પણ ચોરી અને દારૂની હેરાફેરીના ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે, માત્ર 500 રૂપિયા માટે નિર્દોષની હત્યા કરી નાખતા તેની પત્ની અને બાળકો નોંધારા બન્યા છે.