Thursday, November 21News That Matters

સંઘપ્રદેશ DNHDD સહિતના સંઘપ્રદેશમાં IAS, IPS, અને DANICS સહિતના 110 અધિકારીઓની કરાઈ આંતરિક બદલી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવના IAS, IPS અને DANICS/દાનિક્સ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. દેશના વિભિન્ન રાજ્યના કુલ 110 અધિકારીઓની આંતરિક બદલી સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પણ ફરજ બજાવતા અધિકારીઓનો આ બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુરુવાર 12 સપ્ટેમ્બરના રોજ દેશના અલગ અલગ સંઘ રાજ્યમાં ફરજ બજાવતા આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને દાનિક્સ અધિકારીઓની આંતરિક બદલીનો એક ઓર્ડર જારી કર્યો છે. જેમાં 33 IAS, 45 IPS અને 32 Danics અધિકારીઓ મળી કુલ 110 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત દાનહ-દમણ-દીવમાં ફરજ બજાવતા 2011 ની બેચના આઈ.એ.એસ. અધિકારી ગૌરવસિંઘ રાજાવત અને 2019 ની બેચના અધિકારી ફર્મન બ્રહ્માની અરુણાચલ પ્રદેશ બદલી કરવામાં આવી છે. 2015 ની બેચના અધિકારી ભાનુ પ્રભાની દાનહ-દમણ-દીવથી દિલ્હી બદલી કરાઈ છે. આ સાથે જ તેમના સ્થાને 2010 ની બેચના આઈ.એ.એસ. અધિકારી અજય કુમાર ગુપ્તા અને 2014 ની બેચના અધિકારી ડૉ. મોનિકા પ્રિયદર્શનીની દિલ્હીથી દાનહ-દમણ-દીવમાં બદલી કરવામાં આવી છે.

આઈ.પી.એસ. અધિકારીમાં 2015 ની બેચના અધિકારી પિયુષ નિરાકર ફૂલઝેલેની દાનહ-દમણ-દીવથી લદ્દાખ અને 2019 ની બેચના અધિકારી મણી ભૂષણ સિંઘની દાનહ-દમણ-દીવથી મિઝોરમ બદલી કરાઈ છે. તેમના સ્થાને 2013 ની બેચના અધિકારી કુમાર ગણેશની દિલ્હીથી દાનહ-દમણ-દીવ અને 2016 ની બેચના અધિકારી કેતન બંસલની ચંદીગઢ થી દાનહ-દમણ-દીવમાં બદલી કરવામાં આવી છે.

દાનિક્સ અધિકારી પૈકી દાનહ-દમણ-દીવમાં ફરજ બજાવતા 2013 ની બેચના દાનિક્સ અધિકારી અપૂર્વ શર્મા, 2012 ની બેચના ક્રિષ્ના ચૈતન્ય અને 2013 ની બેચના રજનીકાંત અવધિયાની દાનહ-દમણ-દીવથી અંદામાન બદલી કરવામાં આવી છે.

દાનહ-દમણ-દીવના 2013 ની બેચના મોહિત મિશ્રાની દિલ્હી ખાતે બદલી કરાઈ છે. આ સાથે જ દિલ્હીના 2009 ની બેચના દાનિક્સ અધિકારી અમિતકુમાર પામાસી, 2012 ની બેચના પુનિતકુમાર પટેલ, 2008 ની બેચના ઓંકાર ગોપાલ મરાઠે તથા 2011 ની બેચના તનુ શર્માની દિલ્હી થી દાનહ-દમણ-દીવ બદલી કરવામાં આવી છે. તો, દેશના અન્ય સંઘ રાજ્યના આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને દાનિક્સ અધિકારીઓની પણ અન્ય રાજ્યમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

ઇમેજ સૌજય સોશ્યલ મીડિયા……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *