દાદરા નગર હવેલીમાં 2009 લોકસભા ચૂંટણીમાં 33.59 ટકા અને 2014માં 34.73 ટકા મત મેળવનાર કોંગ્રેસને તે પહેલાંની 1998-99ની અને 2019, 2021ની ચૂંટણીમાં માત્ર 3.10 ટકાથી 14.73 ટકા મત જ મળ્યા છે…!
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે, આ ચૂંટણીને લઈ કોંગ્રેસે સેલવાસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં કોંગ્રેસ આ ચૂંટણીમાં જીત મેળવશે અને આ બેઠક કોંગ્રેસની જનાધાર વાળી બેઠક હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દાદરા નગર હવેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર અજિત માહલા એ ભાજપ પર અને હાલમાં શિવસેના છોડી ભાજપમાં સામેલ થયેલ સાંસદ કમ ઉમેદવાર કલાબેન પર આકરા પ્રહારો કર્યા હતાં.
પત્રકાર પરિષદમાં દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મહેશ શર્માએ જણાવ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણી બે-દાગ (સારા ચારિત્ર્ય) અને દાગી (ખરાબ ચારિત્ર્ય વાળા) લોકો વચ્ચેની લડાઈની ચૂંટણી છે. જેમાં કોંગ્રેસે ખૂબ જ સારા ઉમેદવારની પસંદગી કરી છે. ભાજપના 10 વર્ષના શાસનમાં વધેલી મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ લઈને કોંગ્રેસ જનતા સમક્ષ જઇ રહી છે.
મહેશ શર્માએ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2009 અને 2014માં ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ ચૂંટણી લડ્યા ત્યારે તેમની સામે કોંગ્રેસ તરફથી મોહનભાઇ ડેલકર ચૂંટણી લડ્યા હતાં. ત્યારે તેઓ 6 ટર્મના MP હતાં. અને સક્ષમ નેતા હતા છતાં પણ તેઓ હાર્યા હતાં. એટલે આ વિસ્તારમાં શક્તિશાળી નેતા હોવુ એ મહત્વનું નથી. પરંતુ જે જનતાના મુદ્દાઓને લઈ જનતા વચ્ચે જઈ રહ્યા છે. જે બે-દાગ છે તે મહત્વનું છે.
મહેશ શર્માએ ભાજપ અને ડેલકર પરિવાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ આ ચૂંટણીમાં અનેક મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જશે. જેમાં પાંચ વર્ષ સુધી જે ભાજપ ડેલકર પરિવાર વિરુદ્ધ હપ્તા વસુલી કરવાના, આદિવાસીઓનું શોષણ કરવાના આક્ષેપો કરતા હતા એ જ ભાજપે ડેલકર પરિવારને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર જાહેર કરી દીધા. શિવસેના સાંસદ અને ભાજપ એકબીજા વિરુદ્ધ લડત રહ્યા, બોલતા રહ્યા આજે બંને એક થઈ ગયા છે. જનતાને વધુ બેવકુફ બનાવી શકાય નહીં. જનતા બધું જ જાણે છે.
સાંસદે અહીં પાંચ વર્ષમાં કોઈ જ કામ નથી કર્યા જેનો લાભ કોંગ્રેસને મળશે. નોકરી, પગાર જેવા મુદ્દાઓ લઈને તેમજ કોંગ્રેસે જે પાંચ ન્યાય યોજના અમલમાં લાવવાની વાત કહી છે તે મુદ્દાઓ લઈ જનતા સમક્ષ જશે. જનતા સમજદાર છે. અંડર કરંટ છે. એટલે, આ ચૂંટણીમાં કોંગ્રેસ જરૂર જીત મેળવશે. તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જો કે, દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને હંમેશા સારા માર્જિનથી મત મળ્યા હોવાનો દાવો પ્રદેશ અધ્યક્ષ મહેશ શર્માએ કર્યો હતો. તેમણે વર્ષ 2009 અને 2014ની ચૂંટણીમાં કોંગ્રેસે જ્યારે મોહન ડેલકરને ટીકીટ આપી મેદાનમાં ઉતાર્યા હતા તે વખતે કોંગ્રેસને કુલ મત પૈકી 2009માં 33.59 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપને 34 ટકા મત મળ્યા હતાં. 2014માં કોંગ્રેસને 37.93 ટકા મત મળ્યા હતાં. ભાજપ ને 40.09 ટકા મત મળ્યા હતાં. એ ઉપરાંત એક સમયે જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી. નગરપાલિકા કોંગ્રેસની હતી. એટલે કોંગ્રેસ નબળી છે તેવું કહી શકાય નહીં આ બેઠક કોંગ્રેસના જનાધાર વાળી બેઠક છે. કોંગ્રેસ એક વર્ષથી ગરીબોની સ્કીમ લઈ જનતા વચ્ચે જઈ રહી છે. 20,000 ઘરમાં કોંગ્રેસના સ્ટીકર લગાવ્યા છે. કોવિડ સમયે સૌથી વધુ કામ કર્યું છે. કોંગ્રેસ જનતા સાથે ઊભી રહી છે.
જો કે મહેશ શર્માના આ દાવા સામે કોંગ્રેસ અહીં સતત નબળી રહી છે. એ વાત તેમણે સ્વીકારી નહોતી. હકીકતે કોંગ્રેસ મોહન ડેલકરના સમયે જ ઓછા માર્જિનથી હારી છે. પરંતુ જ્યારે જ્યારે મોહન ડેલકર સામે લડ્યા છે. ત્યારે તેની ભૂંડી હાર થઈ છે. લોકસભા ચુંટણીના ડેટા જોતા એ ફલિત થયું છે કે, વર્ષ 1998માં ભાજપ-કોંગ્રેસ-શિવસેના ત્રિપાંખીયાં જંગમાં કોંગ્રેસને માત્ર 4.13 ટકા જ મત મળ્યા હતાં. 1998માં અપક્ષ-કોંગ્રેસ-ભાજપ-શિવસેના ની લડાઈમાં કોંગ્રેસ છેક ચોથા નંબરે રહી હતી. કોંગ્રેસ ને માત્ર 14.74 ટકા મત મળ્યા હતાં. 2004માં પણ કોંગ્રેસના ઉમેદવાર 12,893 મતથી હાર્યા હતાં. તો, 2019માં કોંગ્રેસને 4.33 ટકા જ મત મળ્યા હતાં. જે બાદ 2021ની લોકસભા પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસને માત્ર 3.10 ટકા જ મત મળ્યા હતાં. જે જોતા અહીં પાછલા ઘણા વર્ષોથી ભાજપ, શિવસેના અથવા તો ડેલકર પરિવારનું જ વર્ચસ્વ રહ્યું છે. કોંગ્રેસ હંમેશા હાંસિયામાં ધકેલાતી રહી છે તે કહેવું ખોટું નથી.
એક નજર કોંગ્રેસે અન્ય ચૂંટણીમાં મેળવેલ મત પર…
1998માં ભાજપને 53.73 ટકા (38,970) મત મળ્યા હતાં. શિવસેનાને 41.71 ટકા (30,253) મત મળ્યા હતાં. કોંગ્રેસ ને માત્ર 4.13 ટકા (2,997) મત મળ્યા હતાં.
1999માં અપક્ષને 42.52 ટકા (29,853) મત મળ્યા હતાં. ભાજપને 20.83 ટકા (14,975) મત મળ્યા હતાં.
શિવસેનાનને 19.51 ટકા (14,029) મત મળ્યા હતાં. કોંગ્રેસને 14.74 ટકા (10,601) મત મળ્યા હતાં.
2004માં BNP ને 34,665 મત તો કોંગ્રેસને 21,772 મત મળ્યા હતાં.
2009માં ભાજપને 34 ટકા (51,242) મત મળ્યા હતાં, કોંગ્રેસને 33.59 ટકા (50,624) મત મળ્યા હતાં.
2014માં ભાજપ ને 41.09 ટકા (80,790) મત મળ્યા હતા, કોંગ્રેસને 37.93 ટકા (74,576) મત મળ્યા હતાં.
2019માં અપક્ષ ને 45.44 ટકા (90,421) મત મળ્યા, ભાજપ ને 40.92 ટકા (81,420) મત મળ્યા, કોંગ્રેસને માત્ર 4.33 ટકા (8608) મત મળ્યા
2021 પેટા ચૂંટણીમાં શિવસેનાને 59.53 ટકા (1,18,035) મત મળ્યા, ભાજપને 33.68 ટકા (66,766) મત મળ્યા, કોંગ્રેસને માત્ર 3.10 ટકા (6,150) મત મળ્યા હતાં.
કોંગ્રેસની પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર અજિત માહલા એ જણાવ્યું હતું કે, અમે ઘરે ઘરે ગામ ગામ જઈ ચૂંટણી પ્રચાર કરીશું. લોકોને સમજાવીશું અને જે પાંચ ન્યાયના મુદ્દા છે તેની જાણકારી આપીશું. આવનારા દિવસો કોંગ્રેસના છે કોંગ્રેસ પાર્ટી પાસે ગરીબી, બેરોજગારી, નોકરી, જંગલ, જમીનના પ્રશ્નો જેવા મુદ્દાઓ છે. જે લોકો સમક્ષ રજુ કરશે.
આ ચૂંટણીમાં કોંગ્રેસના અજિત માહલા ઉપરાંત ભાજપના કલાબેન ડેલકરે બને આદિવાસી સમાજના ઉમેદવાર છે. પરંતુ કલાબેન ડેલકર સાંસદ કાળના પાંચ વર્ષમાં ગામડામાં ગયા નથી. તેવો આક્ષેપ કરતા અજિત માહલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગામેંગામ જઈ લોકોને તેમની વિચારધારા જણાવશે. કલાબેન બીજેપીના ઉમેદવાર જાહેર થયા એ પહેલા શિવસેનામાં હતા. હવે બીજેપીના છે. ફરી તે બીજે ક્યાં નહીં જાય તે નિશ્ચિત નથી. એટલે તેને કોણ સમર્થન આપશે તે મામલે લોકોનો ભરોસો ઉઠી રહ્યો છે. કોંગ્રેસમાં કમિટેડ વોટર છે. જે કોંગ્રેસ સાથે જ રહ્યા છે રહેવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ અને ભાજપની આ લોકસભા ચૂંટણીની લડાઈમાં આ વખતે ભાજપે પોતાના ઉમેદવારને ટીકીટ આપવાને બદલે શિવસેનામાંથી ચૂંટણી લડી જીતેલા કલાબેન ડેલકરને ભાજપમાં સામેલ કરી ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે તેમના ઉમેદવાર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી MP બનેલા પૂર્વ સાંસદ ના પુત્ર પર પસંદગી ઉતારી છે. ત્યારે આ લોકસભા બેઠકમાં કોણ કેટલી ટકાવારી સાથે એક બીજાને માત આપશે તે તો ચૂંટણી ના મતદાન બાદ આવનારા પરીણામ માં જ જાણવા મળશે.