વાપી-સેલવાસમાં 30 વર્ષથી લોકોનું ઘરના ઘરનું સપનું સાકાર કરતા પ્રમુખ ગ્રૂપ દ્વારા વાપીમાં ચલા ખાતે આવેલ પ્રમુખ હાઉસની નજીક પ્રમુખ સ્વામી માર્ગ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપના અગ્રણીઓ અને કર્મચારીઓએ શાળાના બાળકો સાથે દીવાલ પર હાથથી પ્રિન્ટિંગ કરીને પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ હાઉસની નજીકના પ્રમુખ સ્વામી માર્ગ પર પ્રમુખ ગ્રૂપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ ગ્રુપના જગદીશ ભાટુ, રામ કંડોરિયા સહિત તેમના પરિવારના બાળકો, કર્મચારીઓએ શાળાના બાળકો સાથે આ ઉજવણી કરી હતી. પર્યાવરણ જાગૃતિના સંદેશ માટે તમામે હાથમાં પ્રાકૃતિક કલર લઈ દીવાલ પર તેની છાપ પાડી સહી કરી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે પ્રમુખ ગ્રુપના જગમાલ ભાટુની દીકરી અમી ભાટુએ જણાવ્યું હતું કે, તે તમામેં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિના સંદેશ માટે આ આયોજન કર્યું છે. પ્રમુખ ગ્રૂપ વર્ષોથી વાપી સેલવાસમાં લોકો માટે ઘર બનાવે છે. તેમણે બનાવેલ હાઉસિંગ સાઇટ પર તેમજ નિર્માણ થઈ રહેલી સાઇટ પર સૌથી વધુ વૃક્ષો છે. એક તરફ વાપી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના કારણે અને તેના પ્રદુષણ માટે એશિયા ભરમાં જાણીતું છે. ત્યારે તેના પર્યાવરણને બચાવવા દરેક વાપી વાસીઓએ જાગૃત બનવું જોઈએ.
તેમના મોટા પપ્પા અને પ્રમુખ ગ્રુપના ડાયરેકટર દેવસીભાઈ ભાટુ, અજિતભાઈ ખોડભાયા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. તેમની પહેલથી પ્રમુખની દરેક સાઇટ પર સૌથી વધુ વડના વૃક્ષોને વાવી ગ્રીનરી ઉભી કરી છે. જે વાપી માટે તેમજ પ્રમુખ ગ્રૂપ માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને એ વારસો જાળવી રાખવા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ જાગૃતિ માટે દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા સાથે વીજળીની બચત, ઇંધણની બચત, પાણીની બચત કરવી જરૂરી છે. જેને ધ્યાને રાખી દીવાલ પર વિવિધ રંગના કલર વડે તે સંદેશ આપી સહી કરી પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં બ્લ્યુ કલર પાણી બચાવવા માટે, પીળો કલર વીજળી બચત માટે, ગ્રીન કલર વધુ વૃક્ષો વાવવા માટે, લાલ કલર સપ્તાહમાં એક વાર ઇંધણ યુક્ત વાહનને બદલે પગપાળા કે સાયકલ પર આવાગમન માટે, તો બ્લેક કલર પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવા માટે નો અનોખો સંદેશ આપતો હતો. તમામે જે તે કલર મુજબ દીવાલ પર તે કલરની હાથ થી છાપ પાડી સહી કરી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.