Friday, October 18News That Matters

Save Water-River Link જેવા કાગળ પરના પ્રોજેકટને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી ચોમાસામાં વેડફાય છે અબજો લીટર પાણી

વલસાડ :- દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની ઋતુ એટલે મબલખ આકાશી પાણી વરસવાની ઋતુ. જો કે અનેક નાનીમોટી નદીઓ, ઝરણાં અને ડેમ ચોમાસામાં આ વિસ્તારમાં છલકાયા વિના રહેતા નથી. આ બધું જ પાણી તે બાદ જળસંચયના યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે અરબસાગર માં ભળી જાય છે. આ વર્ષે પણ આવું અબજો લીટર પાણી દરિયામાં વહી ગયું છે. અને વહી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગરમાં ભળી જાય છે. એમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સિઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી જળસંચય અભિયાન ચલાવી લોકોને પાણીની બચત કરવા મનની વાત કરે છે પરંતુ એ જ સરકાર હસ્તકના હજારો ડેમ અને નદીઓમાંથી અબજો ખરબો લિટર પાણી બચાવી શકાતું નથી અને જળ એ જ જીવન નો હેતુ સિદ્ધ થતો નથી.
આ માટે જો કોઈ નદી અને ડેમનું ઉદાહરણ પૂરું પાડવું હોય તો તે વલસાડ જિલ્લાને અને સંઘપ્રદેશ ને પાણી પૂરું પાડતા મધુબન ડેમનું છે. ચાલુ વર્ષે મધુબન ડેમમાં 217.97 MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણીનો જથ્થો ચોમાસુ વરસાદને પ્રતાપે ઉપલબ્ધ બન્યો છે. મધુબન ડેમની 525 MCMની સંગ્રહશક્તિ છે. પરંતુ, તેના રૂલ લેવલને જાળવવા અત્યાર સુધીમાં 786 MCM પાણી દમણગંગા નદી થકી સમુદ્રમાં વહાવી દેવું પડ્યું છે.
વરસાદી સિઝન દરમિયાન ચાર મહિના મધુબન ડેમની પાણીની સપાટી ને જાળવવા પાણી પુરવઠા વિભાગ દમણગંગા જળાશય વિભાગ સતત 24 કલાક કાર્યરત રહે છે. મધુબન ડેમની 525 MCM પાણીની સંગ્રહશક્તિ સામે હાલમાં ડેમમાં 217.97 MCM પાણી સંગ્રહ થયું છે. (એક MCM એટલે એકની પાછળ 9 મીંડા લગાડી શકાય તેટલા લીટર પાણી) એટલે કે ડેમમાં હાલ 217000000000 લિટર પાણીનો સંગ્રહ થયેલો છે. ચોમાસા દરમ્યાન ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાં સમયાંતરે દસ દરવાજા વત્તાઓછા મીટરે ખોલવામાં આવ્યા છે. જેના થકી સિઝન દરમ્યાન કુલ 786 MCM પાણીનો જથ્થો દમણગંગા નદીમાં છોડવામાં આવ્યો છે જે પાણી દમણગંગા નદી દ્વારા ઓવરફ્લો થઇ ને દમણના દરિયામાં વહી ગયું છે મતલબ કે હાલના સંગ્રહિત જથ્થા કરતા 3 ગણું પાણી કોઈપણ પ્રકારના સંગ્રહના આયોજનના અભાવે દરિયામાં ભળી ગયું છે.
એક તરફ સરકાર વર્ષોથી પાણી બચાવવા નદીઓને જોડવાના પ્રોજેકટ ના બણગાં ફૂંકી રહી છે. Save Water, River Link Project પર બજેટમાં નાણાંની જોગવાઈ કરે છે. પરન્તુ વર્ષોથી આ પ્રોજેકટ સાકાર થવાને બદલે માત્ર કાગળ પર જ રહ્યો છે. વિચારો કે જો આ પ્રોજેકટ સાકાર થાય તુમ્બની નદીનું દમણગંગા માં અને દમણગંગા નદીનું કોલક, પાર, અંબિકા, પૂર્ણાં, તાપી, નર્મદા સાથે જોડાણ કરે તો કેટલો ફાયદો થાય? તેનું કાગળ પરનું સ્વપ્ન સરકાર વર્ષોથી બતાવતી આવી છે. પરંતુ નક્કર સ્વરૂપ મળી શક્યું નથી.
માત્ર મધુબન ડેમની જ વાત કરીએ તો, ડેમનું વોર્નિંગ લેવલ 79.86 મીટર છે. ડેન્જર લેવલ 82.40 મીટર છે. ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થામાં 2.50 લાખ ક્યુસેક પાણી વોર્નિંગ લેવલનું કહેવાય છે. આ વર્ષે હજુ સુધી મહત્તમ 2.39 લાખ ક્યુસેક સુધીનું પાણી છોડાયું છે. પરંતુ દર વર્ષે ડેમના લેવલને જાળવવા અંદાજીત 3000 MCM પાણી વહાવી દેવાની નોબત આવે છે એ વાસ્તવિકતા છે. જે જોતા આપણે દર વર્ષે કેટલો પાણીનો વ્યય કરીએ છીએ તે આંકડો આશ્ચર્યજનક છે.
ડેમ કે નદીમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થા માટે ક્યુસેક એકમ છે. 1 ક્યુસેક એટલે એક સેકન્ડમાં એક ઘન ફૂટ પાણી વહેવું, 1 ઘન ફુટ પાણી એટલે 28.32 લિટર થાય છે. એ હિસાબે એક મિનિટમાં 1699.2 લીટર અને 1 કલાકમાં 1,01,952 લીટર પાણી વહી જતું હોય છે જે હિસાબે જો 400 ક્યુસેક પાણી છોડાયું તો તેનો અર્થ દર કલાકે બંધમાંથી 4,07,80,800 લીટર પાણી છોડવામાં આવ્યું! જ્યારે સિઝન દરમ્યાન મધુબન ડેમમાંથી જ 3000 ક્યુસેક પાણી છોડવું પડે છે.
અન્ય નદીઓનું પાણી તો ગણતરીમાં જ નથી. અને આવો અગણિત આંકડો ગણતાં પણ ન ફાવે એટલો મોટો થઈ જાય, આટલો મોટો આંકડો લખતાં બોલતાં અને સમજતા ગરબડ ન થાય એટલા માટે ક્યુસક એકમ બનાવવામાં આવ્યું છે અને એક ક્યુસેક એકમની જેમ જ MCM નું એકમ બનાવવામાં આવ્યું છે જે આંકડો લિટર ના હિસાબે આશ્ચર્યજનક તો છે જ સાથે સાથે આવનારા દિવસોમાં જળસંચય માટે કેવા આયોજનો કરવા પડશે તે માટે અતિ મહત્વનો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *