વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા વલસાડ જિલ્લાના અટાર ગામે આવેલ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત ઘરડા ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોની શુભેચ્છા મુલાકાત લઈ ઇન્ટરનેશનલ સિનિયર સીટીઝન ડે ની શુભેચ્છા પાઠવી. મીઠાઈ ખવડાવી તેમની સમસ્યાઓથી વાકેફ થઈ ગરબે રમ્યા હતાં.
ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવાર, પુરુષ-મહિલા સ્ટાફ, GRD જવાન રોબિન હૂડ આર્મીના વોલેન્ટિયર દ્રારા વલસાડ જિલ્લાના અટાર ગામે આવેલ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત ઘરડા ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઘરડાઘર ખાતે પહોંચેલા તમામે સિનિયર સિટીઝનોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું,
આ પ્રસંગે પોલીસે પરિવારથી દૂર એકલા રહેતા વૃદ્ધ વડીલો સાથે વાતચીત કરી તેમની અંગત ઘરેલુ સમસ્યા અંગે સંવાદ કર્યો હતો. પોલીસે વડીલોના અનુભવ સાંભળી હૂંફ પૂરી પાડી હતી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ. પવારે તમામ વડીલોને હૈયા ધરપત આપી હતી કે તેમને જ્યારે પણ પોલીસની જરૂર પડે ત્યારેે નિઃસંકોચ સંપર્ક કરે પોલીસ તેમને બનતી મદદ કરશે.
ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના જવાનોએ વડીલોનો ઉત્સાહ વધારવા માટે ગરબા કાર્યકમ પણ રાખ્યો હતો. જેમાં વૃદ્ધો તથા પોલીસ મિત્રો ગરબાના તાલે ઝુમ્યા હતાં. ગરબા બાદ દરેક વડીલના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. તમામે પોતાનું અંગત તમામ દુઃખ ભૂલી ખુશીની લાગણીનો એહસાસ કરી પોલીસના આ સરાહનીય કાર્યને બિરદાવ્યું હતું.