Friday, September 13News That Matters

વલસાડ જિલ્‍લાના નેતાઓએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રસ્તાના ખાડા, ટ્રાફિક, અકસ્માતોની રજુઆત કરવાને બદલે ક્ષુલ્લક અને જૂની સમસ્યાઓની રજુઆત કરી!

વલસાડ જિલ્લામાં નેતાઓ કેવી સમસ્યાઓને પ્રાધાન્ય આપે છે. પ્રજાના વિકાસ માટેના કેવા પ્રશ્નોની રજુઆત કરવી જોઈએ તેમની કેટલી ગતાગમ છે. તે હાલમાં જ વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્‍લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠકમાં જોવા મળી છે. બેઠકમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, સામાજીક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધવલ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત વહીવટીતંત્ર ના અધિકારીઓ હાજર રહ્યા હતાં. જેઓએ જિલ્‍લાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો અને તેની સમીક્ષા કરી હતી. જો કે બેઠકમાં એકપણ પ્રતિનિધીએ હાલમાં બિસ્માર બનેલા રસ્તાઓની વહેલી તકે મરામત થાય, ખરાબ રસ્તાઓ માત્ર વરસાદને કારણે જ ખરાબ થયા કે હલકી કક્ષાના મટીરીયલ વાપરવાને કારણે થયા, ટ્રાફિકનો હલ કેવી રીતે લાવવો તેવો એક પણ પ્રશ્ન પૂછી આ અંગે કોઈ જ પુછાણું લીધું નહોતું.
બેઠકમાં ઉંમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકા માં બિસ્માર બનેલા (1) ઉમરગામ-સંજાણ-ભીલાડ રોડ (2) કાલુરીવર કોઝવે ટુ એમ.એસ.બોર્ડર રોડ (3) ભીલાડ નરોલી રોડ (4) ઉમરગામ ટાઉન ટુ સ્ટેશન રોડ અપ ટુ એમ.એસ. બોર્ડર રોડ (5) સરીગામ ડુંગર પૂનાટ કાલય રોડ (6) ભીલાડ ટુ ભીલાડ સંજાણ લિન્ક રોડ (7) ભીલાડ-ધનોલી-ઝરોલી રોડના ખાડા કેટલા સમયમાં પુરાઈ જશે? અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના જે 33 રસ્તાઓ માટે 1,53,60,000ની રકમ ફાળવી છે તેમાંથી ઉમરગામના આ રસ્તાઓ પાછળ કેટલા રૂપિયાના ખર્ચે ખાડાઓની મરામત થશે?  તેવા કોઈ પ્રશ્ન કે રજુઆત કરવાને બદલે ધારાસભ્યએ હની ડ્રગ્‍સ પ્રા. લિ. કંપની સરીગામના કંપનીના કામદારોને યોગ્‍ય વેતન અને PF ન જમા કરવા બાબતેના પ્રશ્ને મદદનીશ શ્રમ આયુકત અને PF કમિશનર વાપીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા, દમણગંગા સુગર ફેકટરીની 8 એકરની જમીન જે ખેડૂતોની નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા લેવામાં આવી છે તેમને હાલના બજારભાવ પ્રમાણે વળતર આપવા જેવી ક્ષુલ્લક અને જૂની સમસ્યાઓની રજુઆત કરી હાલની ખાડા સમસ્યાને કોરાણે મૂકી દીધી હતી.
એ ઉપરાંત ધારાસભ્ય પાટકરે જિલ્લાના 33 રસ્તાઓ માટે 1,53,60,000ની રકમ ફાળવી તેમાંથી એક રસ્તા પર અંદાજિત 4,65,454 રૂપિયા વપરાશે તો, કેટલા ખાડાઓમાં પુરાણ થશે? કેવું થશે? ક્યાં સુધીમાં થશે? તેવી કોઈ રજુઆત કરી જવાબ માંગવાને બદલે પોતાના વિધાનસભા વિસ્તાર બહારના ધરમપુરના અરજદાર સીતારામભાઇ રામજીભાઇ માંગી કે જે 60 વર્ષથી વન ધારા- 2005 પ્રમાણે ખેતી કરતા આવેલા છે તે જમીન FRC માં આપવા બાબતની રજૂઆત, પ્રાયોજના વહીવટદાર વલસાડ દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ વનવાસી અનુસૂચિત જનજાતિ અને અન્‍ય પરંપરાગત વનવાસીઓને઼ રહેઠાણ અને ખેતીની જમીન માટેના કિસ્‍સાઓ પણ ચર્ચા કરી.
ઉમરગામ ના ધારાસભ્ય પાટકરની જેમ વલસાડના ધારાસભ્‍ય ભરત પટેલને પણ જાણે તેમની વિધાનસભા વિસ્તારમાં ખાડે ગયેલા મારગ ની સમસ્યા દેખાતી ના હોય તેમ વલસાડ શહેરમાં વિવિધ રસ્‍તાઓ પરના દબાણો હટાવવા રજૂઆત કરી હતી. પરંતુ, વલસાડ તાલુકાના (1) તીથલ વલસાડ ધરમપુર રોડ, (2) કસ્ટમ હાઉસથી લીલાપોર જંક્શન રોડ, (3) બીલીમોરા થી વલસાડ લીલાપોર જંક્શન રોડ, (4) વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ, (5) પારનેરા રાબડા નવેરા ઓઝર રોડ, (6) ડિસ્કાડેડ લેન્થ ઓફ એન.એચ ના ખાડાઓ કેટલા સમયમાં પુરાઈ જશે? કે તે બાબતની કોઈ જ રજુઆત નહિ કરીને આઝાદ ચોકથી મસ્‍જીદથી કોંસબા જતા રોડ, એમ. જી. રોડ, શાકભાજી માર્કેટ રોડ, રૂરલ પોલીસ સ્‍ટેશનથી તાલુકા પંચાયત સુધીના રોડ પર ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે રજુઆત કરી હતી. કે જે નગરપાલિકા વિસ્તારમાં આવે છે. અને તેનો ઠેકો ચીફ ઓફિસર અને પાલિકાનો છે. ધારાસભ્યને પાલિકાના રસ્તાઓ પર દબાણ થાય છે તેની ચિંતા છે પરંતુ રસ્તા પરના ખાડાને કારણે ટ્રાફિક જામ, વાહનચાલકોને વાહનમાં નુકસાન, કમરનો દુઃખાવો, અકસ્માત જેવી સમસ્યાઓની રજુઆત કરવી યોગ્ય લાગતી નથી.
વલસાડ જિલ્‍લા પંચાયતના સામાજીક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધવલ પટેલને પણ નાની સરોણ ગામે નેશનલ હાઇવે નં.-48 ઉપર ઓવરબ્રિજનું નિર્માણ કરવા બાબતની રજૂઆત કરવાનું સૂઝ્યું પરંતુ, નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે દરરોજ બનતા અકસ્માતો અંગે નેશનલ હાઇવે ઓથોરીટી પાસે વહીવટી તંત્ર કેમ જવાબ નથી માંગતું તેવી રજુઆત કરવાનું સૂઝ્યું નહિ.
જો કે સંકલન બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓની જેમ અધિકારીઓ પણ માત્ર જાણે બેઠકમાં હાજરી આપવા આવ્યા હોય તેમ ભાગ-2 માં જિલ્‍લા કલેકટરએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી 24 માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી. પરંતુ તેમના વિભાગના વાહનો ખાડાવાળા માર્ગો પર ખરાબ થઈ રહ્યા છે. એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં આ ખાડાઓ સમયનો વેડફાટ કરી રહ્યા છે. અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તેવા સંદર્ભે કેવી કાર્યવાહી કરી કે કરવી જોઈએ તેમાંની કોઈ જ ચર્ચા કરવામાં આવી નહોતી.
ઉલ્લેખનીય છે કે સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં વલસાડ જિલ્‍લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, જિલ્‍લા પોલીસ અધિક્ષક રાજદીપસિહ ઝાલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ નીલેશ કુકડીયા, આનંદુ સુરેશ ગોવિંદ, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક યદુ ભારદ્વાજ, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નીશા રાજ, ગ્રામવિકાસ એજન્‍સીના નિયામક જે. પી. મયાત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. વસાવા, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. પરંતુ કોઈએ હાલની જિલ્લાની સૌથી મોટી સમસ્યા એવી ખાડા વાળા રસ્તાઓ, ટ્રાફિક જામ, રસ્તે રખડતા નધણીયાતા પશુઓનો ત્રાસ કે કાયદો વ્યવસ્થા અંગે, કે પુર હોનારતમાં નુકસાન પામેલા ઘર, અસરગ્રસ્તો માટે જરૂરી વ્યવસ્થા જેવી એકપણ રજુઆત નહિ કરીને જિલ્લાના વિકાસ માટે, જનતાની સમસ્યાઓના હલ માટે કેટલા જાગૃત છે તેની કેટલી ગતાગમ છે તેનું પ્રદર્શન કર્યું હતું.
આ સાથે એ પણ વિચારો કે વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા 33 રસ્તાની 1.53 કરોડના ખર્ચે મરામત કામગીરી હાથ ધરાઈ છે. આ રસ્તાની કુલ લંબાઈ માત્ર 38.05 કિમી છે. એટલે કે જિલ્લાના માત્ર એટલા કિલોમીટરનો રસ્તો જ બિસ્માર છે. અને તેની પાછળ કિલોમીટર દીઠ 3,98,961 રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે એવા કુલ 33 રસ્તાઓ પાછળ રસ્તા દીઠ 4,65,454 રૂપિયા વપરાશે. વલસાડ જિલ્લામાં વહીવટીતંત્ર એ આપેલ ખરાબ રસ્તાની માહિતી અંગે વલસાડ તાલુકામાં 6, વાપી તાલુકામાં (1) વાપી દમણ રોડ, (2) પારડી પરિયા અંબાચ ચીભડકચ્છ રોડ, (3) મોરાઈ વટાર રોડ, પારડી તાલુકામાં (1) સી.એસ.એચ.વે. વલસાડથી કોલક રિવર કોઝવે, (2) પારડી વેલપરવા આમરી તરમલિયા રોડ, (3) પારડી સ્ટેશનથી ઉમરસાડી માછીવાડ રોડ (4) પારડી સ્ટેશનથી ઉમરસાડી દેસાઈવાડ રોડ, (5) પારડી પરીયા અંબાચ ચીભડકચ્છ રોડ, ધરમપુર તાલુકામાં (1) તીથલ-વલસાડ-ઘરમપુર (2) તુતરખેડ-સાતવાંકલ-ખપાટિયા રોડ (3) ધરમપુર-આવધા-બિલધા રોડ (4) આંબાતલાટ-ભવાડા-બોપી-હનુમતમાળ રોડ (5) કંજવેરી-કાંગવી-લુહેરી રોડ (6) વડપાડા કરંજવેરી રોડ (7) ધામણી-તામછડી-નાની કોરવડ-અવલખંડી રોડ, કપરાડા તાલુકામાં (1) ધરમપુર-માકડબન-ધામણી-ટોકરપાડા રોડ સેકશન ધામણી-મેણધાથી ટોકરપાડા રોડ (2) તિથલ-વલસાડ-ધરમપુર-હુંડા-નાસીક રોડ (3) ગીરનારા-વિરક્ષેત્ર-માલધરા રોડ (4) સ્ટેટબારી-આંબાજંગલ-શાહુડા-લીખવડ-નાનીપલસાણ-ગોટવેલ-સુલિયા રોડ (5) પાનસ-આમધા-અરણાઈ-નળી મધની રોડ અને ઉમરગામ તાલુકાના 7 રસ્તાઓ બિસ્માર હોવાની વિગતો આપી તેની મરામત કામગીરી હાથ ધરવાનું જાહેર કર્યું છે. ત્યારે વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા અને બિસ્માર માર્ગ પરથી હાલક-ડોલકભરી સ્થિતિમાં પસાર થવાની મુસીબતમાંથી મુક્તિ મળશે કે કેમ તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *