Friday, December 27News That Matters

ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?

વર્ષ 2001માં 26મી જાન્યુઆરી એ આવેલ ભૂકંપમાં મૃત્યુ પામેલા 13,805 મૃતાત્માઓની કાયમી યાદમાં ભુજના ભૂજિયા ડુંગર પર કરોડોના ખર્ચે સ્મૃતિવનનું નિર્માણ થઇ રહ્યું છે. (અંદાજિત 400 કરોડના ખર્ચે) આ સ્મૃતિ વન અને દેશનું પ્રથમ અર્થકવેક મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે. જો કે, હાલમાં આ પ્રોજેકટ તાકીદે પૂર્ણ કરવાની સૂચના મળ્યા બાદ અને આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ખુદ ભુજ આવી તેનું ઉદ્ઘાટન કરવાના હોય તેજ ગતિએ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જો કે મોદીના ડ્રિમ પ્રોજેકટ ને પૂર્ણ કરવાની લ્હાયમાં રીતસરનો ભ્રષ્ટાચાર આચરી તકલાદી બાંધકામ થઈ રહ્યું હોવાની પોલ ખુલી છે.

 

કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના એકવીસમાં વર્ષે ભુજીયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. ભુજ શહેરના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામી રહેલ આ મહત્વના પ્રોજેકટને સ્મૃતિ વન એવું નામ આપવામાં આવ્યું છે. પ્રોજેકટ હાલ પૂર્ણતાને આરે છે. ત્યારે હાલના વરસાદમાં અહીં નિર્માણાંધિન બાંધકામની પોલ ખુલી ગઈ છે. જે અંગેના કેટલાક વીડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.

 

 

જેમાં સ્પષ્ટ દેખાય છે કે, સ્લેબમાંથી પાણીનું લીકેજ થઈ રહ્યું છે. RCC ની દીવાલોમાં તકલાદી મટીરીયલ ઉપયોગ થયો છે. કોન્ટ્રાક્ટરોએ અધિકારીઓ સાથે મળી આ કરોડોના પ્રોજેક્ટ માં રીતસરનો ભ્રષ્ટાચાર આચર્યો છે. જેની તમામ જાણકારી અધિકારીઓને હોવા છતાં કોન્ટ્રકટરને છાવારવામાં આવી રહ્યા છે. આ તકલાદી બાંધકામના વાયરલ વીડિઓ જોઈને ભુજના નાગરિકોની લાગણી દુભાઈ છે.
લોકોનું માનવું છે કે ભુજ જ નહીં સમગ્ર કચ્છના લોકો માટે આ મેમોરિયલ ભૂકંપ માં દિવંગત થયેલા તેમના સ્વજનોની યાદમાં બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં તેઓ ક્યારેક ને ક્યારેક આવી તેમના સ્વજનોને યાદ કરશે. ત્યારે, આ મહત્વના પ્રોજેકટમાં ગોબાચારી આચરનાર કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી થવી જોઈએ અને કોન્ટ્રાક્ટરનું રજીસ્ટ્રેશન રદ થવું જોઈએ.
ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતમાં તકલાદી બાંધકામ સાથે આકાર લઈ રહેલ આ પ્રોજેકટ અંગે વાત કરીએ તો કચ્છમાં આવેલા ભૂકંપની યાદમાં ભૂજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન બનાવવામાં આવી રહ્યું છે. આ સ્થળને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે. સ્મૃતિવન પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા 155 કરોડ ફાળવવામાં આવ્યા હતા છે.
જેમાંથી 470 એકર વિસ્તારમાં વૃક્ષારોપણ સાથે પાણીના હટ, ફૂડ કોર્ટ, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, વિશ્રામ માટે બાંકડા, કચ્છની સંસ્કૃતિ સાથે ભૂકંપ વખતના કચ્છની સ્થિતિની પણ અનુભૂતિ થાય તેવું મ્યુઝિયમ કમ થિયેટર, ડુંગર ઉપર આકર્ષક લેન્ડ સ્કેપિંગ, ભૂજિયા ડુંગર ફરતે બાઉન્ડ્રી વોલ, તલાવડી, સનપોઇન્ટ,પાથ વે, કિલ્લાની દિવાલનું રિસ્ટોરેશન, એમેનિટીઝ બોક્સ, પોઝ પોઇન્ટ, ગેટ, અર્થક્વેક સિવ્યુલેટર, 35 ચેક ડેમ, સોલાર પ્લાન્ટ, ઓડિટોરિયમ જેવા આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં એક પણ બાંધકામ આકર્ષણ જન્માવે તેવું બન્યું નથી. તમામ આકર્ષણોમાં ભ્રષ્ટાચાર આચરી તકલાદી કામગીરી આંખે ઉડી ને વળગી રહી છે.
લોકોમાં આ તકલાદી બાંધકામ ને લઈને એવા પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે, કોઈપણ સરકારી પ્રોજેક્ટના તબક્કા મુજબના કામ કોન્ટ્રાકટર કરે તે બાદ (જેમ કે RCC વર્ક, સ્ટીલ વર્ક, બ્રિક વર્ક, પ્લાસ્ટર વર્ક ના) નમૂના જે તે અધિકારીએ સરકાર માન્ય લેબમાં મોકલવાના હોય છે. જેમાં તમામ ગુણવત્તાની ખાતરી કરવામાં આવે છે. જે બાદ જ આગળનું કામ અને કામના નાણાં ચૂકવવામાં આવે છે. તો, શુ આ મહત્વના પ્રોજેકટ માં લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો કે કેમ? કે પછી તેમાં પણ ગોબાચારી આચરી કામ ને વહેલી તકે પૂર્ણ કરવાના મનસૂબા સેવાયા છે.
ઉલ્લેખનીય છે કે, 155 કરોડનો પ્રોજેકટ સતત વિલંબમાં રહ્યા બાદ 400 કરોડને પાર કરી ગયો છે. જેમાં અધિકારીઓએ અને કોન્ટ્રાક્ટરોએ પોતાના ખિસ્સા ભરી લીધા છે. હવે જોવું રહ્યું કે મોદીના આગમન પહેલા તેમના ડ્રિમ પ્રોજેકટ અને દેશનું પ્રથમ અર્થકવેક મેમોરિયલ પાર્કનું
તકલાદી બાંધકામ કરનારા કોન્ટ્રાકટર સામે અને અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *