કાશ્મીરના પંડિતો પર થયેલા અત્યાચાર પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની દેશભરમાં ચર્ચા થઇ રહી છે. વાપી અને વલસાડના સિનેમા ગૃહમાં આ ફિલ્મ રજુ થતાં વલસાડ જિલ્લાના ભુદેવો તેને જોવા ઉમટી પડયા હતાં.
વલસાડ-વાપીના સિનેમા ગૃહમાં ભુદેવોના જય શ્રી રામના નારા સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતાં. કાશ્મીરી પંડિતો થયેલ અત્યાચાર ને ફિલ્મી પરદે રજૂ કરતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જિલ્લામાં અઠવાડિયા સુધીનું એડવાન્સ બુકીંગ થઈ ચૂક્યું છે. થિયેટરમાં જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું. ફિલ્મ જોઇને બહાર આવેલાં ભુદેવોએ તમામ લોકોને આ ફિલ્મ જોવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ ફિલ્મમાં અનુપમ ખેરના રોલની પ્રશંસા થઇ રહી છે.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં વાર્તા ઘણી જ ઇમોશનલ હોવાથી દર્શકોના રૂંવાડા ઊભા થઇ જાય છે. આ ફિલ્મ દર્શકોને પસંદ આવતાં લોકો ઉમટી રહ્યાં છે. ખાસ કરીને કાશ્મીરી પંડિતો પર તૈયાર કરેલી આ ફિલ્મને જોવા ભુદેવો સૌથી વધુ આગળ આવી રહ્યાં છે.
વલસાડ રાજહંસ સિનેમા ગૃહમાં વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રમુખ બી.એન.જોષી, મુંબઇથી સતિષભાઇ જોષી, સમીરભાઇ જોષી, ભરતભાઇ જોષી, વલસાડથી આશિષ જોષી, નયન જોષી, દ્રુમિલ જોષી, નિકુંજ જોષી, કેતન જાની, ધર્મેશ જાની સહિત મોટી સંખ્યામાં વલસાડ,ધરમપુર,ખેરગામ, વાપી વલસાડના ભુદેવો એકત્ર થયા હતાં.