Thursday, December 5News That Matters

વલસાડ જિલ્લાના ભિલાડની નદીઓના પાણીને કેમિકલયુક્ત બનાવનાર GHCL હવે કચ્છના દરિયા કાંઠાને કરશે પ્રદુષિત?

વલસાડ જિલ્લામાં ભિલાડ ખાતે કાર્યરત GHCL કંપની દ્વારા આગામી દિવસોમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ કેમિકલ કોમ્પ્લેક્સ આધારિત 3000 TPDની ક્ષમતાનો લાઇટ સોડા એશ પ્લાન્ટ, 1500 TPDની ક્ષમતાનો ડેન્સ સોડા એશ, 600 TPD ક્ષમતાનો સોડિયમ બાયકાર્બોનેટ સાથે ધન ઇંધણ આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ કો-જનરેશન પાવર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ પ્લાન્ટ માટે આગામી 6 એપ્રિલ 2022ના રોજ કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જન સુનાવણી યોજાવાની છે. જો કે વલસાડ જિલ્લામાં ભિલાડની નદીઓના પાણીને કેમિકલયુક્ત બનાવનાર GHCL હવે કચ્છના દરિયા કાંઠાને પ્રદુષિત કરશે તેવી ભીતિ પર્યાવર્ણવિદો સેવી રહ્યા છે. 
આ અંગે મળતી વિગતો મુજબ GHCL લિમિટેડ કંપની એ હાલની પ્રતિષ્ઠિત સોડા એશ ઉત્પાદન કરતી કેમિકલ કંપની છે જે 1983 માં કાર્યરત થયા બાદ સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે એકઝો ડ્રાય લાઇમિંગ ટેકનોલોજી પર આધારિત ભારતનો પ્રથમ સંકલિત સોડા એશ પ્લાન્ટ ચલાવે છે. સુત્રાપાડા પ્લાન્ટ વાર્ષિક 4,20,000 ટન પ્રતિ વર્ષ (TPA) ક્ષમતા સાથે 1988 માં શરૂ કરવામાં આવ્યો હતો. સમય જતાં પ્લાન્ટની ક્ષમતા 11,00,000 TPA સુધી વિસ્તૃત કરવામાં આવી છે. જ્યારે કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે 10,95,000 TPA ની ક્ષમતા સાથેનો પ્લાન્ટ શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
કંપનીનું માનીએ તો સોડા એશ અને સંલગ્ન ઉત્પાદનમાં અનુભવ અને કુશળતા સાથે અને દેશની ઓદ્યોગિક માંગને પહોંચી વળવા માટે જીએચસીએલ લિમિટેડએ શરૂઆતમાં સોડા એશ ઉત્પાદન માટે અને ભવિષ્યમાં મીઠું આધારિત ડેરિવેટિવ્ઝ માટે ગ્રીનફિલ્ડ કેમિકલ કોમ્પ્લેકસ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુક્યો છે.
મેસર્સ જીએચસીએલ લિમિટેડ , અમદાવાદ ગ્રીનફિલ્ડ કેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપવાનો પ્રસ્તાવ કરે છે, જેમાં 11,00,000 ટન પ્રતિ વર્ષ (TPA લાઇટ સોડા એશ 5,00,000 ટન પ્રતિ વર્ષ (TPA) ડેન્સ સોડા એશ અને 2,00,000 ટન પ્રતિ વર્ષ TPA સોડીયમ બાયકાર્બોનેટ ની ક્ષમતા નો પ્લાન્ટ ગુજરાત રાજ્ય માં કચ્છ જીલ્લા માં માંડવી તાલુકા માં બાડા ગામ માં સ્થાપવાનો પ્રસ્તાવ છે. 
કંપની પોતાના ઉત્પાદનો માટે મુખ્ય કાચો માલ સોલાર મીઠું રાસાયણિક ગ્રેડ લાઇમ સ્ટોન (ચૂનાનો પત્થર) કોલસો, લિગ્નાઇટ અને બીજા અન્ય મટીરીયલનો ઉપયોગ કરશે. ઉત્પાદનની રાસાયણિક પ્રક્રિયા એકઝોથર્મિક હોવાથી , પ્રક્રિયા માં તાપમાન ઘટાડવા હેતુ માટે મોટા પ્રમાણમાં દરિયાઇ પાણીની જરૂર પડશે. દરિયાનું પાણી નજીકના અરબી સમુદ્રમાંથી લેવામાં આવશે. સમગ્ર પ્લાન્ટના વિવિધ પ્રક્રિયા યુનિટ્સ / એકમોમાંથી ઉત્પન્ન થતા એફ્લુએન્ટને વિજ્ઞાનિક મોડેલિંગ અભ્યાસ દ્વારા શોધવામાં આવેલા સ્થળે અરબી સમુદ્રમાં દરિયાઇ આઉટફોલ સિસ્ટમ (પાઇપલાઇન) દ્વારા વિસર્જિત કરવામાં આવશે.
જેને લઈને પર્યાવરણવિદો માં અનેક પ્રકારની પર્યાવરણીય નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ આ કંપની દ્વારા તેમના ઉત્પાદન દરમ્યાન આસપાસના વિસ્તારને પ્રદુષિત કરી શકે છે. રોજગારીના નામે કંપની દરિયાઈ જીવસૃષ્ટિને અને નજીકના 5 જેટલા ગામોની ખેતી ને ગંભીર અસર પહોંચાડશે. તેમજ આસપાસના વિસ્તારમાં હવા અને ભૂગર્ભ જળને પણ મોટાપાયે નુકસાન કરશે. 
ઉલ્લેખનીય છે કે GHCL કંપનીનો એક પ્લાન્ટ વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે કાર્યરત છે. જેને કારણે આ વિસ્તારમાંથી પસાર થતી દમણગંગા નદી, દારોઠા નદી તેમજ નદી નાળાઓમાં પોતાની પાઇપલાઇન પાથરી નદી-નાળાના પાણીને પ્રદુષિત કરી ચુકી હોય એ બાબતે ગ્રામજનોએ અવારનવાર વિરોધ ઉઠાવ્યો છે. GPCB એ પણ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સૂત્રો તરફથી મળી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *